Tuesday, October 6, 2009

લાંબી વાટ

સાંભળ્યું છે યમદુત હોય છે ક્રુર
પણ ખાતરી થઈ ગઈ છે કે
એ મુઓ ગણિતમાંય
કાચો છે જરુર.
અલ્યા,કરચલીયો ગણતાં
આટલી વાર?

ભરત શાહ
નોવાઈ, મીશીગન

Friday, September 11, 2009

એકલી ડોશી


પવનના સપાટે કદીક
આ હીંચકો ઝુલે.
છત પર જડેલાં કડાં,
કીચુડ, કીચુડ, કીચુડ કરે.
મન મારું બિચારું ત્યારે
નિરાંત અનુભવે.

સુનું થઈ ગયેલ આંગણ મારું,
ભર્યું ભાદર્યું ફરી લાગે.

કહેતા બાપુ તારા
કચકચ ન કર, કચકચ ન કર.
ભરાશે કડાંઓમાં તેલ કાલે.

ભરાશે કડાંઓમાં તેલ કાલે.
ભલે ને ઝુલે, ઝુલે આજે
જવાનો છે કાલે એ પરદેશે.

એ તો ગયા,
ગઈ, કાલ એમની સાથે
તું ય ક્યાં પાછો આવે છે?

આ પવન પણ અવળચન્ડો છે.

ભરત શાહ
નોવાઈ, મીશીગન

Tuesday, September 1, 2009

છેતરપીંડી

સંવેદનાનું ગુંચળું
ગુંચાયું છે ઉંડે ઉંડે
તારે અંતર
શબ્દોની સોનેરી જાળ
ન ફેંક એની ઉપર
અનુભવ અનુભવ
એહસાસ કર

ભરત શાહ
નોવાઈ, મીશીગન

અહંમ

બારણાની એક કોરથી હીબકું સંભળાયું
હ્ર્દય બીજી કોર ગળામાં ફસાયું
વ્હાલ ચોધાર આંસુએ વહ્યું
પણ બારણું
ન ખુલ્યું
કે ખખડ્યું

ભરત શાહ
નોવાઈ, મીશીગન

Sunday, August 23, 2009

નારી તું નારાયણી

મને શોધ છે સતત સર્વવ્યાપી સ્ત્રીની
નારી તું નારાયણીની

મળશે મને શું
અફઘાનીસ્તાનની બરફીલી પહાડીઓમાં
થથરતી બુરખાની અંદર
કે શેકાતી હશે ધોમ ધીકતા રાજસ્થાની રણમાં
વ્યથિત, ઘુંઘટ્ની ભીતર

સળગતી તો નહીં હોય મહાન ભારતે
પૈઠણની આગ ઉગળતી ચિતા પર
કે પછી ચીખતી હશે નિ:સહાય, દીકરાની લ્હાય
ગર્ભ ઉપર થતા અમાનુષ પ્રહાર પર

નોચાતી તો નહીં હોય બાળ વિધવા
શ્રીમંત, ખાનદાન, ઘમંડી ઘર
કે પછી વેચાતી હશે દેવદાસી
લોહીના વેપારમાં સગા બાપને કર

વાળતીતો નહીં હોય ફળિયું
નગર નગર, ઉભી યૌવનને ઉંબર
કોડ ભરેલી કન્યા હરીજન
પહેરી, ભદ્ર સમાજે ઉતારેલું પાનેતર

રહેંસાતી તો નહીં હોય કોઈ માઈ મુખ્તર
કરવાને પ્રાયશ્ચિત ભાઈએ કરેલા કહેવાતા પાપ પર
કે પછી ફાટતી હશે ધરતી
સમાવવા સીતાને પાછી પોતાને ઉદર

મળશે મને શું ઈન્દીરા
ગોલ્ડા, ઈવીટા, બેનઝીર, ભન્ડારનાયિકા
કે પછી પનીહારિઓ પગે ઉઘાડા
પીગળતી સડકો પર તરસતી
બે ઘુંટ પાણીની ખોજમાં
લઈ બાળ એક કેડ્માં ને બીજુ કોખમાં

ભરત શાહ
નોવાઈ, મીશીગન

Friday, August 14, 2009

મારું ઘર

હતું ઘર મારું
નાનું, જુનું,માટીએ ચણેલું
ભીંતે તીરાડો,અહીંતહીં પ્લાસ્ટર ઉખડેલું.

આગલે ખંડે એક પાટ ને ગાદલું
વચલે ખંડે અનાજ,ઉંદર ને ઘોર અંધારુ
મેડીએ બીલ્લી,રસોડું ધુણીથી કાળુ કાળુ
પડોશે વેચાય દુધ,છાશ,દહીં ખાટું
ને કરીયાણુ ભેળસેળયું
આંગણે ટોળુ માખીઓનું બણબણતું.

સામે બસ સ્ટેન્ડ, છાપરા વગરનું
ધૂમ વરસાદે,ધોમ તાપે કે કડકડતી ટાઢે
ઓટલો મારો પ્રતિક્ષિત માટે સ્થળ આશરાનું.
પટેલ,વાણિયા,મોચી,મુસલમાન
હો કોઈપણ રાહદાર
સૌ માટે બા એ ઓટલે
છે આજેય મુકેલું
માટલું અને પાણીનું પવાલું

છે ઘર મારું હવે ભવ્ય અને આલીશાન
ફેમસ આર્કીટેક્ટે ઘડેલું
ઈટલીના આરસ,ઈરાની ગાલીચા,
ઝળહળીત ઝુમ્મર,ફેન્સી ફોસેટ
ને કીંમતી રાચરચીલું

છે ઘરમાં બધું
નથી બા
કે પોર્ચમાં
માટલું અને પાણીનું પવાલું

ભરત શાહ
નોવાઈ, મીશીગન

Tuesday, August 11, 2009

ચુંટણી ૨૦૦૯

હરે ક્રીષ્ન, હરે ક્રીષ્ન !

યદા યદા કહી ગીતામાં છવાઈ ગયો
અને જોને આજે
હઝલમાં હાવ હવાઈ ગયો

આંખના પલકારે લાલા
સુદર્શન ચક્રે જરાસંઘ ચીરાઈ ગયો
અને જોને આજે
લલ્લુના બે બોલમાં કેવો બંધાઈ ગયો

કાલીંદીના જળમાં કાના
કાળીયો નાગ ઝેરીલો નથાઈ ગયો
અને જોને આજે
મતની મ્હોંકાણમાં કેવો ભરડાઈ ગયો

બતાવી મુખમાં બ્ર્હંમાંડ
માતા યશોદાને હેરતે હરખાઈ ગયો
અને જોને આજે
રાહુલની મા થી કેવો ભરમાઈ ગયો

ભરત શાહ
નોવાઈ, મીશીગન

સારું છે

સારું છે ડુમા ભરાય છે
નહીં તો દરીયા ઉભરાઈ જાતા

સારું છે મૌન સંભળાય છે
નહીં તો પરદા ચીરાઈ જાતા

સારું છે દુ:ખ વિસરાય છે
નહીં તો ડુંગરા ખડકાઈ જાતા

સારું છે મેળા ભરાય છે
નહીં તો એકલા ખોવાઈ જાતા

ભરત શાહ
નોવાઈ, મીશીગન

Sunday, August 9, 2009

વધુ વિભાજન?

મસ્જિદની માંહી મહંમદને ગુમસામ મેં જોયો
છોડી અયોધ્યા, અરણ્યમાં જતાં રામને જોયો

શત ફેંણ ફેલાવતાં કાતિલ કોમીનાગ મેં જોયો
શરમે ઝુકાવતાં નૈનો કાલિંદીકાંઠ કાનને જોયો

ખુદાનો આખરી પયગંબર પાક કુરાનમાં જોયો
લોહીભીની તલવારથી થતાં બદનામ મેં જોયો

થયેલી ભસ્મ લાશો પર હસતાં ઈન્સાન મેં જોયો
પોંછતાં અશ્રુ આંખેથી અરે રે શયતાન ને જોયો

ઝમેલો જમાવતાં સંત મહંત મૌલા ઈમામને જોયો
જોયા ધરમના ધુરંધર, હિંદુ ન મુસલમાન મેં જોયો

આંગળી ચીંધતાં હર અભિનેતા,નેતા મહાન ને જોયો
ગયો ગાંધી, ન કોઈને ઝાંખતો ગિરેબાનમાં મેં જોયો

મંદિરની માંહી મહંમદને રામની પનાહમાં મેં જોયો
મસ્જિદની માંહી રામને અલ્લાહની નિગાહમાં જોયો

ભરત શાહ
નોવાઈ, મીશીગન
ઓગસ્ટ ૯, ૨૦૦૯

રોહટાંગની કો'ક ટેકરી ઉપર

ઉભો છું ઉંચે એકલો અટુલો તોયે કોઈનો સાથ લાગે છે
સમીરની શીતળ લહરમાં અડકતો કોઇનો હાથ લાગે છે

નીરવતા, નરી નીરવતામાં, સંભળાતો કોઈનો સાદ લાગે છે
સંગીતની સાત સુરાવલીનો કોઈ અલૌકિક અંદાઝ લાગે છે

ક્ષિતિજ ચારેકોર, ઉપસ્થિતિ મારીજ મને અપવાદ લાગે છે
શોધવી અહીં ક્યાં સીમાઓ નિરર્થક નર્યો વિખવાદ લાગે છે

નજર માંડુ જ્યાં જ્યાં ઉદભવતો કોઈમાં વિશ્વાસ લાગે છે
ભલે કહે કોઈ આભાસ, અનંત પણ અંતરની પાસ લાગે છે

ભરત શાહ
નોવાઈ, મીશીગન
ઓગસ્ટ ૯, ૨૦૦૯

Friday, July 3, 2009

હોય છે

જન્મે તો બધાય સરખા હોય છે
મ્રુત્યુમાં એક્ને દાહ
તો બીજાને દરગાહ
મળતા હોય છે

સંત ક્યા બધાય સરખા હોય છે ?
બતાવે છે કોઈક રાહ
ઘંટ બીજા ગુમરાહ
કરતા હોય છે

પ્રેમમાં તો બધાય પડતા હોય છે
મળે છે કોઈકને ચાહ
મજ્નુ બીજા ઠંડી આહ
ભરતા હોય છે

મિત્રતો બધાયને મળતા હોય છે
દે કોઈક જ સાચી સલાહ
ખુશામદી ખોટી વાહ વાહ
કરતા હોય છે

ખુદા શું ધર્મથી મળતા હોય છે?
બંદા શાને કરે એ પરવાહ
નેકદિલે જીન્દગી નિરવાહ
કરતા હોય છે

ભરત શાહ
નોવાઈ, મિશીગન

કોયડો

કહે છે લજ્જા સ્ત્રીનું આભુષણ
ને શસ્ત્ર છે રુદન
સ્મિત અકળ આમંત્રણ
ને ઈશારો આંખનો વષીકરણ
થાય એમા યૌવન અને સૌદર્યનું મિશ્રણ
ને થોડાક મધુર શબ્દોનું સંભાષણ
પછી તો અશક્ય બની જાયે ઉકેલવું
રસાયણશાસ્ત્ર કે બીજગણિતનુંજ નહીં
જીવનનુંય સહેલામાં સહેલું
સમીકરણ

ભરત શાહ
નોવાઈ, મિશીગન

મન

વિચક્ષણ મન
જડ અને ચંચળ
હાથે કરી ઉભી કરે ગુંચવણ
ગુમાવે આંખ ગુમાવે પાંખ
થઈ જાયે રાખ
જોતાં જોતાં
કોઈ પતંગિયાનું મુક્ત ઉડાણ

ભરત શાહ
નોવાઈ, મિશીગન

સુવાક્ય

શું શીખવાનું છે રામયણમાંથી?
મેં મારા અભણ દાદીમાને પૂછ્યું

દાદીમાએ કહ્યું

આપણાથી રામ ભલે ન થવાય
રાવણ ન થઈયે એવી કાળજી તો રખાય

ભરત શાહ
નોવાઈ, મિશીગન
જુલાઈ ૩, ૨૦૦૯

Sunday, June 28, 2009

નિર્ણય

શુષ્ક સ્તનો પર ભુખી નજર
વાત્સલ્યના ઝરણ
ખોજવા મથતા અશક્ત અધર
માંસ ચરબી વિહીન ગાલ પર
થીજી ગયેલ અશ્રુના થર

મોંઢાથી મોટી આંખોમાં બાળ પ્રશ્નો
અસંખ્ય, નહીં કોઈ ઉત્તર

માંડ શ્વસતી અકાળ વ્રુધ્ધ માના
શ્વાસ અધ્ધર
ભયભીત મૌન,
આંખના ગોખલે ઉંડી ઉતરેલી
લાચાર, અસહાય નજર

ડાક્ટર, ડાક્ટર!
સંભળાય છે
એક બીન અનુભવી સ્વયંસેવકનો
કાકલુદીભર્યો પીડીત સ્વર

ખબર છે, ખબર
છોડી દો એમને ઈશ્વર પર
મળે છે ઉત્તર
મ્હોં ફેરવ્યા વગર

નથી નિશ્ચિત જેઓનું મરણ
નીકળીએ તેમની તલાશ પર


ભરત શાહ
નોવાઈ, મિશીગન
જુન ૨૭, ૨૦૦૯

Sunday, June 14, 2009

શોધુ છું

અંતરના ઉંડાણમાં ડુબકી મારી
હું શોધુ છું છીપલાં છુપાએલા છે જેમા
સંવેદનાના મોતી

ઘોર અંધકારમાં ડુબકી મારી હું શોધુ છું
એક છીદ્ર
પ્રવેશે છે જેમાથી જ્યોતિ

અસહ્ય ઘોંઘાટમાં ઘેરાઈ જઈ
હું શોધુ છું એક સરગમ
છેડે છે જે નરી શાંતિ

હું શોધુ છું, હું શોધુ છું, હું શોધુ છું
ખરું છે આ સ્વપ્ન,
મારી આંખ કેમ નથી ઉઘડતી?

ભરત શાહ
નોવાઈ, મીશીગન
જુન ૧૪, ૨૦૦૯

Saturday, June 13, 2009

My first Step

He Jumped with joy, throwing his arms up in the air. And then he ran in to the house screaming from the bottom of his lungs, inhaling every molecule of the air he could.

"Did you see it? did you?" He was overwhelmed by what he just had seen.
"Saw what?" he was asked impatiently.
"The most incredible sight you could ever see." His excitement was boundless. His energy unreserved.
He rushed out again.
She had no choice but to follow him instantly.

The sight she saw was horrifying. Unnerving.
There I was, at the bottom of the gently landscaped slope of our backyard, crying from the bottom of my lungs, with my arms spread, reaching out to her.
Just before he ran in to the house, I had taken my very first step...very first step. Then, I had tumbled down.

I was not hurt, but my father was about to be.

Forty years later, we were standing in front of that small home, now in disrepair, on the farm my father once owned. A Lot of soil had blown away since, by the winds of change. The land was rezoned and belonged to a state's development initiative.

He stood there with my support. Looked at the barren land and sighed. The mango and papaya groves I grew up with had gone. So was a huge jamboon tree under which I did lot of my homework. We were standing in the midst of the ruins of our memories.

My mother stood next to him like the lifelong companion she always was, holding my daughter's hand. It was heart wrenching for her to see a pillar of strength unable to support himself. A mild stroke had taken its toll on a body that once tilled this fertile land. He had lost his speech and was paralyzed on one side.

"This is where your father took his first step- She was telling my six year old, pointing to the backyard of the small home. Then, turning towards me she said:

"He just wanted to come back here with you"

He looked at me and smiled. I knew he was remembering the story my mother had told me so many times about that horrible day. My heart ached with pain and eyes welled up. I wished he could hold my hand and help me take my next step. Like he always did through out my life.

He tried and stumbled.

And that was the only opportunity I got to support him.

I came back to America to enjoy the fruits of his hard labor, love and sacrifice.

He was gone before I could visit and walk with him again.

Bharat Shah
Novi, Michigan
June 13, 2009

હિસાબ

પ્રેમનો એહ્સાસ કરવો, છે હજુ બાકી
છલકાયા છોને જામ સેંકડો સાકી

મેહફીલ ને હર માનીને મંઝીલ, છે સફર કાપી
પણ રાહ મંઝીલની હજુ, છે શોધવી બાકી

આંસુ વહાવી ને નયનો, છે ગયા થાકી
સાગર દયાનો છલકવો તોય છે બાકી

યાદી પરીચયોની બનાવી છે બહુ લાંબી
એક નામ દોસ્તનુ હજુ લખવાનુ છે બાકી

શોધમાં સનમની, છે જીન્દગી કાઢી
એક આંખ જોવાને થકી, છે ખોલવી બાકી

ભરત શાહ
નોવાઈ, મીશીગન
માર્ચ ૧૨, ૨૦૦૯

અધુરો ઘઢો

હું છું અધુરો ઘડો, હું છું અધુરો ઘડો..
બુડ્યો ના ઊંડો એવો, હું છું અધુરો ઘડો

ચમક મારી ભારે ને ભારે છે રણકો
વિનાઇંઢ્ણાનો
કદી સ્થિર, તો કદી ડગમગતો
હું છું અધુરો ઘડો

છે કોને ત્રુષા, ભીંજાવાની આશા?
છલકાવું છાંટા જરા જેટલા ત્યાં
કહે સૌ, ગંગા નાહ્યા, ગંગા નાહ્યા
બનીને કળશ છું શીરે ચઢેલો
હું છું અધુરો ઘડો

ભરત શાહ
નોવાઈ, મીશીગન
એપ્રીલ ૧૪,૨૦૦૯

Wednesday, June 10, 2009

બા-બાપુજી

મારા બાપુજી સ્વભાવે આખાબોલા અને આકળા પણ.
બને ત્યાં સુધી બધા એમની સાથે કામ પુરતો વ્યવહાર રાખે.
એમ કહેવાય કે વ્યવહાર ટાળે.
એમને એમ કે એમના જેવો કોઈનો "રોલો" નહીં.

ઘરમાં પણ એવુંજ.
કમાઈને લાવે એટલે એમને એમ કે એ ઘરના ચક્રવર્તી રાજા.
બાકી ઘર તો બા જ ચલાવતી
પણ બાને એ "રોલા" ને "રાજા"ના અહંકારના પરપોટાને ફોડવામાં જરા જેટલોય રસ નહીં.

બહાર નીકળે ત્યારે બાપુજીથી બે ડગલા પાછળ ચાલે.
પુરુષ સમોવડી થઈ હજારો વર્ષ જુની રુઢિઓને તોડવાના એને કોઈ અભરખા ન હતા.

બાપુજીની અમને જબરી ધાક.
કઈં પણ પૂછવું હોય બાને પૂછવાનું.
દરેક સવાલનો એની પાસે એક જ જવાબ.
તારા બાપુજીને પૂછો.
હું આ ઘરનુ ભરણપોષણ કરું છું અને બધાને મારી જરુરત છે એવું સમજી બાપુજી હરખાતા.
બા પણ હરખાતી. મંદમંદ હસતી.

"બે મહીના પહેલાંજ પેલા નાનકા એ પેન્ટ સીવડાવ્યાં છે". નાનકો નવી ફેશનનુ નેરો પેન્ટ સીવડાવવાનો સવાલ કરે તે પહેલાં તો એ સમાચાર બા બાપુજીને પહોંચાડી દેતી.
"ના હમણા નહીં" એવો જવાબ આપવામાં બાપુજીને એમ લાગે કે એમણે મોટો નિર્ણય લીધો અને છોકરાને જીવનમાં ફેશન કરતાં સાદાઈનું મહત્વ છે એ પાઠ શીખવ્યો.
"ઘણા વખતથી છોકરાં સીનેમા જોવા નથી ગયા" એવું વાતવાતમાં બા બાપુજીને કહી દે.
"નયાદૌર બહુ સરસ ફીલમ છે. ત્રણથી છ માં બધા જોઈ આવજો" બાપુજી એવું કહે અને અમે આનંદે ઉછળીએ. અમારા ચહેરા પર ખુશી હોય અને એમના ચહેરા પર સંતોષ.
વધુ એક નિર્ણય લેવાનો.

બધું કરે બા પણ બાપુજી મોટા ભા

ગુસ્સાથી ઘણીવાર બાપુજી આખું ઘર ધ્રુજાવી દે. અમે તો ફફડીને બીલાડીના બચ્ચાની જેમ ગુચળું વળી ઘરના કોઈ ખુણામાં ભરાઈ જઈએ.
બા એક શબ્દ ના બોલે.
એને કે એના પીયરીયાને ગાળો ભાંડે તો છાનાછાના આસું સારે.
બાપુજી ઠંડા પડે ત્યારે ધીમેથી કહે.
"મારા ભાઈને ગાળો દેવાથી તમારો ધંધો ધીકતો હોય તો કાલથી હુંય તમારી સાથે એને ગાળો દેવા લાગીશ"

બાપુજી કંઈ બોલે નહીં. માફી પણ ન માંગે. એમનું મૌન એ જ એમની માફી.
બહારથી કડક. હ્ર્દયથી કુમળા.

બા ગુજરી ગઈ.
ત્યારે એક આસું એમણે સાર્યું નહીં.
અમે બાને યાદ કરીએ ત્યારે એમની આંખમાં ઝળહળિયાં આવી જાય.
એ જોયાં નથી એવો અમે ઢોંગ કરીએ જેથી એમને સંકોચ ન થાય.

મારા મોંઢેથી એણે એકેય મીઠો શબ્દ ન સાંભળ્યો એવો અફસોસ બાપુજીને રહી ગયો હતો.

પુજામાં બાપુજીએ બાની છબી મુકી હતી.
ઘણી વાર એની સામે ટગર ટગર જોઈ રહે.
મોંઢા પર નરમાશ આવી જાય.
પછી પાછા અમને કહે કે "તમારી બાને મેં સરખી ધમકાવી નહીં. નહીં તો રીસાઈને મારા મનમાંથી નીકળી ન જાત?"

બાપુજી પણ ગયા.
હ્ર્દયનો એક ખુણો ખંખેરી ગયા.
જતા જતા કહેતા ગયા.
" હું તમારી બા પાસે નથી જવાનો. એની શાંતિમાં મારે દખલ નથી કરવી."

ભરત શાહ
નોવાઈ, મીશીગન
જુન ૧૦, ૨૦૦૯

Saturday, June 6, 2009

મંદીર તારું? મારું?

ઈશ્વરની મહેરબાની અને નસીબની બલીહારી.
મારી પાસે પૈસાનો ઢ્ગલો થઈ ગયો.
ઘરવાળીના સપનાનો બંગલો પણ થઈ ગયો.
વાહ વાહ, બહુ સુંદર, બહુ સુંદર.
એ પણ બહુ થઈ ગયું.
ભઈનો ભાઈશ્રી થઈ ગયો. ભઈનો ભઈલો થઈ ગયો....

તોય કંઈ ચેન ન પડ્યું. કંઈક ઘટતું લાગ્યું.
મંદીર ગયો. શાંતી માટે.

જોયું, ત્યાં એક ભાઇની ભારે બોલબાલા.
મંદીરના ટ્રસ્ટીઓ પણ લળી લળી એમનું સંમાન કરે.
પુછ્યું તો જાણ્યું ગાંઠ્ના ૫૦,૦૦૦ ડોલર કાઢીને એમણે આ મંદીરની શરુઆત કરી હતી.
ઘણાજ દુરંદેશી અને કુશળ માણસ.
નહીં થાય, નહીં થાય, પૈસા ક્યાંથી આવશે, કોણ આવશે?એવું કહેનારાની એમણે બોલતી બંધ કરી દીધી હતી.

ભીડ્થી આજે મંદીર નાનું પડતું હતું.
હવે મોટું કરવાની યોજના હતી.

મારી બેચેનીનું મને કારણ મળી ગયું. અને નિરાકરણ પણ.
મારી પાસે દામ હતા. નામ ન હતું.
મંદીરના મુત્સદી મનાતા મહાભુનવને મળ્યો.
પૈસાની ફીકર કર્યા વિના, ભગવાનનું નામ લઈ કામ શરુ કરો.
બધુ જ હું સંભાળી લઈશ.
વાહ વાહ, બહુ સુંદર, બહુ સુંદર.
તમારા જેવા ભગવદીય દાતાની દયા હોય એ કામમાં વિલંબ શેનો?
મંદીરમાં મારી આગળ પાછળ ભીડ વધવા માંડી.
૫૦,૦૦૦ ડોલર વાળા ભાઈ ભુલાવા લાગ્યા.
મારીજ બોલબાલા શરુ થઈ. બહુજ ગમી. કઈંક ઘટતું ઓછું થયું.

પાછું કઈંક ખટકતું પણ શરુ થયું.
થયું આ ભક્તો અને ટ્રસ્ટીઓનો કોઈ ભરોસો નહીં.
આજે પેલા ભાઈ, આવતી કાલે મારો વારો.

ધરમની વાતમાં ઢીલ નહીં.
મંદીરના મુત્સદી મનાતા મહાભુનવને મળ્યો.
સવિનય વિનંતી કરી.
વિસ્તરેલા મંદીરના ઉદઘાટનને દીવસે મંદીરની બહાર મારા નામની કાયમી તક્તિ મુકવી પડશે.
એમાં કહેવાનુજ ન હોય સરકાર. મંદીર તમારુંજ છે. જવાબ એમની જીભેજ હતો
મારી છાતી ગજગજ ફુલી.

ભગવાનની એક મુર્તિ આગળ આંખ બંધ કરી, બે હાથ જોડી ઉભો રહ્યો.
ભગવાનના મુખ ઉપર સ્મિત ફરકતું હતું.
થયું ભગવાન પ્રસન્ન થયા. મારી સખાવતથી.
એ બોલ્યા.
વત્સ, તેં બંગલો બનાવ્યો તો બહાર તેં તારી પત્નીના નામની તક્તિ લગાવી.
હવે મારા ઘરની બહાર તારા નામની તક્તિ?
ના, ના પ્રભુ, મારા બંગલાનું નામ તો લક્ષ્મી છે. આપના ભગવદી દેવી.
ભગવાનના મુખ ઉપર ફરી સ્મિત ફરક્યું.
એ બોલ્યા, વત્સ, આંખ ઉઘાડ અને જો.
મારી ભગવદી પત્નીનું નામ તો પાર્વતી છે.

હું ઝંખવાણો પડી ગયો.
મંદીરના મુત્સદી મનાતા મહાભુનવને મારી આંખો શોધવા લાગી.
મંદીરના એક ખુણામાં એ ૫૦,૦૦૦ ડોલરવાળા ભાઈ સાથે મંત્રણા કરતા હતા.
અમારી આંખો મળી. પણ એમને મારી ઉપસ્થિતી અવગણી.

હું મંદીરમાંથી બહાર નીકળી ગયો
શાંતી માટે.

ભરત શાહ
નોવાઇ, મીશીગન
જુન ૬, ૨૦૦૯

Sunday, May 31, 2009

વસવસો

મુખ ફેરવી છાનું છાનું જોવું, પકડાતાં ગાલનું રાતા થાવું
ક્ષણ એ શરમની કરી કેદ હ્રદયે, આજેય મૌનને કોશવું
સ્મરણ વસમું,સ્મરણ વસમું,પ્રથમ પ્રેમનું સ્મરણ વસમું.

ઝરુખેથી વારે ઘડી ઝાખવું, ફળિયાના નાકા લગી તાકવું
જતાં આવતાં જોવા મળે કદી, આશ રાખીને નિરાશ થાવું
સ્મરણ વસમું,સ્મરણ વસમું,પ્રથમ પ્રેમનું સ્મરણ વસમું.

દેખીને દુરથી હ્રદયનું અચાનક ધક ધક ધક ધક થાવું
નજદીક આવતાં શીરને ઝુકાવી અનાયાસ નત ચાલવું
સ્મરણ વસમું,સ્મરણ વસમું,પ્રથમ પ્રેમનું સ્મરણ વસમું.

કરે કોઈ વાતો હસીને જરી, નીહાળીને દ્વેષે દિલ બાળવું
તુ કોણ મળશે ઘણા અહં માં મચકોડી મોઢું ઘર માપવું
સ્મરણ વસમું,સ્મરણ વસમું,પ્રથમ પ્રેમનું સ્મરણ વસમું.

ભરત શાહ
નોવાઈ, મીશીગન
મે ૩૧, ૨૦૦૯

Saturday, May 16, 2009

આપણે

સંબંધોના તાંતણા કાચા
તાણી તોડી ગાંઠે બાંધવાના
ગઠરીના ભારના ઢાંચા
હાંફી થાકી માથે લાદવાના

વિષમયી કરી વાચા
વીના ટાણે, વીના જાણે
ન કહેવાનું કહી દેવાના
કોણ ખોટા કોણ સાચા
દ્વિધામાં એ આયખુ કાઢવાના

જિંદગીના ઘસાતા સાંચા
કદી કાયમ નથી ફરવાના
તૂટેલા તારના તાકા
વીના ગાંઠે ક્યારે સાંધવાના?

ભરત શાહ
નોવાઈ, મીશીગન
મે ૧૫, ૨૦૦૯
 કોમન મેન (CM)

સ્મરણોને સાચવવાની  ક્ષમતા મારામાં ક્યારે આવી?
ચોક્કસ સમયનો અંદાઝ નથી.
કેટલીક યાદ ધૂંધળી છે. કેટલીક અપૂર્ણ કે અસ્પષ્ટ. અને કેટલીક સ્પષ્ટ.
બનાવોનું આબેહુબ  વર્ણન કરી શકું તો એની તારીખ ના આપી શકું.
ચોક્કસ તારીખ આપી શકું તો બનાવોની બધી વિગત ન આપી શકું.
કોઈપણ જાતના ઉચ્ચ ધ્યેય વગર આ જીવન વિતાવ્યું છે.
એ ધ્યેયહીન જીવનની કેટલીક વાતોમાં તમને ભાગીદાર બનાવીશ
એવા વિચાર પહેલા કદી આવ્યા ન હતા.
નહીં તો રોજનીશી કે ડાયરી રાખી હોત.
સામાન્ય માણસ છું. 
મારી, પત્નીની કે મારા બાળકોની જવાબદારી લેવામાં પણ અસમર્થ રહીશ
એવા મતના ભયને હૃદયમાં ઊંડે ઊંડે ભરી " હા હું એટલું તો કરીશ જ"
એ જુસ્સા અને ધ્યેય  સાથે જીવન જીવ્યો છું.  
ઈશ્વરમાં શ્રદ્ધા રાખી જે કઈ કરી શક્યો છું તેનો સંતોષ છે.
બીજાના મંતવ્ય કે અભિપ્રાય પહેલાં નિરાશ કરતા. દુ:ખી કરતા.
નિરાશા અને દુ:ખની માત્રા હવે ઓછી થઇ છે સમુળગી નિર્મૂળ થઇ નથી.