Saturday, June 6, 2009

મંદીર તારું? મારું?

ઈશ્વરની મહેરબાની અને નસીબની બલીહારી.
મારી પાસે પૈસાનો ઢ્ગલો થઈ ગયો.
ઘરવાળીના સપનાનો બંગલો પણ થઈ ગયો.
વાહ વાહ, બહુ સુંદર, બહુ સુંદર.
એ પણ બહુ થઈ ગયું.
ભઈનો ભાઈશ્રી થઈ ગયો. ભઈનો ભઈલો થઈ ગયો....

તોય કંઈ ચેન ન પડ્યું. કંઈક ઘટતું લાગ્યું.
મંદીર ગયો. શાંતી માટે.

જોયું, ત્યાં એક ભાઇની ભારે બોલબાલા.
મંદીરના ટ્રસ્ટીઓ પણ લળી લળી એમનું સંમાન કરે.
પુછ્યું તો જાણ્યું ગાંઠ્ના ૫૦,૦૦૦ ડોલર કાઢીને એમણે આ મંદીરની શરુઆત કરી હતી.
ઘણાજ દુરંદેશી અને કુશળ માણસ.
નહીં થાય, નહીં થાય, પૈસા ક્યાંથી આવશે, કોણ આવશે?એવું કહેનારાની એમણે બોલતી બંધ કરી દીધી હતી.

ભીડ્થી આજે મંદીર નાનું પડતું હતું.
હવે મોટું કરવાની યોજના હતી.

મારી બેચેનીનું મને કારણ મળી ગયું. અને નિરાકરણ પણ.
મારી પાસે દામ હતા. નામ ન હતું.
મંદીરના મુત્સદી મનાતા મહાભુનવને મળ્યો.
પૈસાની ફીકર કર્યા વિના, ભગવાનનું નામ લઈ કામ શરુ કરો.
બધુ જ હું સંભાળી લઈશ.
વાહ વાહ, બહુ સુંદર, બહુ સુંદર.
તમારા જેવા ભગવદીય દાતાની દયા હોય એ કામમાં વિલંબ શેનો?
મંદીરમાં મારી આગળ પાછળ ભીડ વધવા માંડી.
૫૦,૦૦૦ ડોલર વાળા ભાઈ ભુલાવા લાગ્યા.
મારીજ બોલબાલા શરુ થઈ. બહુજ ગમી. કઈંક ઘટતું ઓછું થયું.

પાછું કઈંક ખટકતું પણ શરુ થયું.
થયું આ ભક્તો અને ટ્રસ્ટીઓનો કોઈ ભરોસો નહીં.
આજે પેલા ભાઈ, આવતી કાલે મારો વારો.

ધરમની વાતમાં ઢીલ નહીં.
મંદીરના મુત્સદી મનાતા મહાભુનવને મળ્યો.
સવિનય વિનંતી કરી.
વિસ્તરેલા મંદીરના ઉદઘાટનને દીવસે મંદીરની બહાર મારા નામની કાયમી તક્તિ મુકવી પડશે.
એમાં કહેવાનુજ ન હોય સરકાર. મંદીર તમારુંજ છે. જવાબ એમની જીભેજ હતો
મારી છાતી ગજગજ ફુલી.

ભગવાનની એક મુર્તિ આગળ આંખ બંધ કરી, બે હાથ જોડી ઉભો રહ્યો.
ભગવાનના મુખ ઉપર સ્મિત ફરકતું હતું.
થયું ભગવાન પ્રસન્ન થયા. મારી સખાવતથી.
એ બોલ્યા.
વત્સ, તેં બંગલો બનાવ્યો તો બહાર તેં તારી પત્નીના નામની તક્તિ લગાવી.
હવે મારા ઘરની બહાર તારા નામની તક્તિ?
ના, ના પ્રભુ, મારા બંગલાનું નામ તો લક્ષ્મી છે. આપના ભગવદી દેવી.
ભગવાનના મુખ ઉપર ફરી સ્મિત ફરક્યું.
એ બોલ્યા, વત્સ, આંખ ઉઘાડ અને જો.
મારી ભગવદી પત્નીનું નામ તો પાર્વતી છે.

હું ઝંખવાણો પડી ગયો.
મંદીરના મુત્સદી મનાતા મહાભુનવને મારી આંખો શોધવા લાગી.
મંદીરના એક ખુણામાં એ ૫૦,૦૦૦ ડોલરવાળા ભાઈ સાથે મંત્રણા કરતા હતા.
અમારી આંખો મળી. પણ એમને મારી ઉપસ્થિતી અવગણી.

હું મંદીરમાંથી બહાર નીકળી ગયો
શાંતી માટે.

ભરત શાહ
નોવાઇ, મીશીગન
જુન ૬, ૨૦૦૯

2 comments:

  1. This looks great! Is there a way you can translate to English for those whose Gujarati is not the best?

    ReplyDelete
  2. Nisha:

    Thanks. I may try that. However, you know the term 'Lost in Translation". The words put together in any language are not just mere words. They are the reflection of the culture of the people speaking that language. The challenge in translation is to keep that touch of culture intact while translating in to another language.

    ReplyDelete