Sunday, February 6, 2011

કશ્મકશ

કશ્મકશ આ દિલ ની કહું કોને
જે સુણનારા છે તે ધરે ન કાને

અરમાં હતા કેટલાયે મનમાં
પાડીશું પગદંડી હર એક વનમાં
સંગાથ તો છે આજેય પરંતુ
સાથ મળે નાં એકેય કદમમાં

મસ્તી હતી ઓર પ્રેમ અગનમાં
જ્યારે નીતરતો તો નેહ નયનમાં
હવે તો બસ તણખા ઝરે ને
લ્હાય ઉઠે છે પુરા બદનમાં

અસર નથી આંસુ કે રુદનમાં
અર્થ રહ્યો કઈ નથી બંધનમાં
હૈયું હવે મારું મુક્તિ ચાહે
બંધાવું છોને પડે કફનમાં

કશ્મકશ આ દિલ ની કહું કોને
જે સુણનારા છે તે ધરે ન કાને

ભરત શાહ

મહોરા

આ હસતા મહોરા ચહેરા સાચા થશે ક્યારે?
છે આંસુઓમાયે આસ્વાદ લેશે ક્યારે?

આદત આંગળી ચિંધવાની પરાયા દોષની તરફે
પ્રતિબિંબ પોતાનું ફરી દરપણે જોશે ક્યારે?

આ દોડ આંધળી પકડવાની ન જાણે શું યે
પગ પથ ભટકે તે પહેલાં વિશામો આપશે ક્યારે?

આ લત ઈશ્વરમય થવાની જીવનની ઢળતી સાંજે
જામ એના પ્રેમના પી બેખુદ થવા દેશે ક્યારે?

ભરત શાહ

છે બાકી

પ્રેમનો અહેસાસ કરવો છે હજુ બાકી
છલકાયા છોને જામ સેંકડો સાકી

મહેફિલને હર માનીને મંઝિલ છે સફર કાપી
પણ રાહ મંઝિલની હજુ છે શોધવી બાકી

આંસુ વહાવીને નયનો છે ગયા થાકી
સાગર દયાનો છલકવો તોય છે બાકી

યાદી પરિચયોની બનાવી છે બહુ લાંબી
એક નામ દોસ્તનું હજુ લખવાનું છે બાકી

શોધમાં સનમની છે જિંદગી કાઢી
એક આંખ જોવાને થકી છે ખોલવી બાકી

ભરત શાહ