Wednesday, June 10, 2009

બા-બાપુજી

મારા બાપુજી સ્વભાવે આખાબોલા અને આકળા પણ.
બને ત્યાં સુધી બધા એમની સાથે કામ પુરતો વ્યવહાર રાખે.
એમ કહેવાય કે વ્યવહાર ટાળે.
એમને એમ કે એમના જેવો કોઈનો "રોલો" નહીં.

ઘરમાં પણ એવુંજ.
કમાઈને લાવે એટલે એમને એમ કે એ ઘરના ચક્રવર્તી રાજા.
બાકી ઘર તો બા જ ચલાવતી
પણ બાને એ "રોલા" ને "રાજા"ના અહંકારના પરપોટાને ફોડવામાં જરા જેટલોય રસ નહીં.

બહાર નીકળે ત્યારે બાપુજીથી બે ડગલા પાછળ ચાલે.
પુરુષ સમોવડી થઈ હજારો વર્ષ જુની રુઢિઓને તોડવાના એને કોઈ અભરખા ન હતા.

બાપુજીની અમને જબરી ધાક.
કઈં પણ પૂછવું હોય બાને પૂછવાનું.
દરેક સવાલનો એની પાસે એક જ જવાબ.
તારા બાપુજીને પૂછો.
હું આ ઘરનુ ભરણપોષણ કરું છું અને બધાને મારી જરુરત છે એવું સમજી બાપુજી હરખાતા.
બા પણ હરખાતી. મંદમંદ હસતી.

"બે મહીના પહેલાંજ પેલા નાનકા એ પેન્ટ સીવડાવ્યાં છે". નાનકો નવી ફેશનનુ નેરો પેન્ટ સીવડાવવાનો સવાલ કરે તે પહેલાં તો એ સમાચાર બા બાપુજીને પહોંચાડી દેતી.
"ના હમણા નહીં" એવો જવાબ આપવામાં બાપુજીને એમ લાગે કે એમણે મોટો નિર્ણય લીધો અને છોકરાને જીવનમાં ફેશન કરતાં સાદાઈનું મહત્વ છે એ પાઠ શીખવ્યો.
"ઘણા વખતથી છોકરાં સીનેમા જોવા નથી ગયા" એવું વાતવાતમાં બા બાપુજીને કહી દે.
"નયાદૌર બહુ સરસ ફીલમ છે. ત્રણથી છ માં બધા જોઈ આવજો" બાપુજી એવું કહે અને અમે આનંદે ઉછળીએ. અમારા ચહેરા પર ખુશી હોય અને એમના ચહેરા પર સંતોષ.
વધુ એક નિર્ણય લેવાનો.

બધું કરે બા પણ બાપુજી મોટા ભા

ગુસ્સાથી ઘણીવાર બાપુજી આખું ઘર ધ્રુજાવી દે. અમે તો ફફડીને બીલાડીના બચ્ચાની જેમ ગુચળું વળી ઘરના કોઈ ખુણામાં ભરાઈ જઈએ.
બા એક શબ્દ ના બોલે.
એને કે એના પીયરીયાને ગાળો ભાંડે તો છાનાછાના આસું સારે.
બાપુજી ઠંડા પડે ત્યારે ધીમેથી કહે.
"મારા ભાઈને ગાળો દેવાથી તમારો ધંધો ધીકતો હોય તો કાલથી હુંય તમારી સાથે એને ગાળો દેવા લાગીશ"

બાપુજી કંઈ બોલે નહીં. માફી પણ ન માંગે. એમનું મૌન એ જ એમની માફી.
બહારથી કડક. હ્ર્દયથી કુમળા.

બા ગુજરી ગઈ.
ત્યારે એક આસું એમણે સાર્યું નહીં.
અમે બાને યાદ કરીએ ત્યારે એમની આંખમાં ઝળહળિયાં આવી જાય.
એ જોયાં નથી એવો અમે ઢોંગ કરીએ જેથી એમને સંકોચ ન થાય.

મારા મોંઢેથી એણે એકેય મીઠો શબ્દ ન સાંભળ્યો એવો અફસોસ બાપુજીને રહી ગયો હતો.

પુજામાં બાપુજીએ બાની છબી મુકી હતી.
ઘણી વાર એની સામે ટગર ટગર જોઈ રહે.
મોંઢા પર નરમાશ આવી જાય.
પછી પાછા અમને કહે કે "તમારી બાને મેં સરખી ધમકાવી નહીં. નહીં તો રીસાઈને મારા મનમાંથી નીકળી ન જાત?"

બાપુજી પણ ગયા.
હ્ર્દયનો એક ખુણો ખંખેરી ગયા.
જતા જતા કહેતા ગયા.
" હું તમારી બા પાસે નથી જવાનો. એની શાંતિમાં મારે દખલ નથી કરવી."

ભરત શાહ
નોવાઈ, મીશીગન
જુન ૧૦, ૨૦૦૯

No comments:

Post a Comment