Friday, March 25, 2011

બામરોલી રોડ

આમતો એ કંઈ ખાસ ન હતો
ખાલી લીમડો જ હતો.
પણ ખાસ્સો ઘરડો હતો.
બામરોલી રોડ ઉપર રહેતો હતો
બીજા સાતેક કુટુંબીઓ ભેળો.
એ બધાય ગામના ઘૈડીયાઓથીય
ઘરડા હતા, તોય જવાન લાગતા હતા.
કોઈ જાતની ખટપટ વિના જતા આવતા
વટેમાર્ગુઓને શીતલ છાય આપતા હતા.
એમના સુખ દુ:ખની વાતો ધીરજથી સાંભળતા હતા,
સાંભળી કદી આનંદે લહેરાતા તો કદી શોકે સ્તબ્ધ થતા.
કોઈના આંસુ પોછાવા માટે હાથ પગ વગર લાચાર હતા.
અસહાય હતા. પણ સહાનુભૂતિથી રેલમછેલ.
પશુ પંખીઓના આશરો તો ખરા જ
કેટલીય પેઢીઓના માળા એ સૌમાં ગુંથાયા હતા
વિખાયાં હતા અને ફરી ગુંથાયા હતા
પણ આજે એ ઘરડામાં ઘરડો લીમડો બહુજ વ્યાકુળ હતો.
એના ત્રણ કુટુંબીજનો ને તો સત્તાધારીઓએ ધરાશાયી કરી દીધા હતા.
ઝેરી ધુમાડા કાઢતા મોટ્ટા મોટ્ટા ખટારાઓના મારગમાં હતા એ.
મૌતનો એને ખોફ ન હતો. પણ એ પ્રાર્થના કરતો હતો.
હજુ બચી ગયેલા એના યુવાન કુટુંબીજનોના જીવન માટે.
ધીમ ધીકતા તાપમાં વટેમાર્ગુઓની ચામડી શેકાઈ રહી હતી.
એની આંખો એમની પીડાથી ભીંજાઈ રહી હતી.
બચી ગયેલા લીમડાઓ ઉપર ઈંડાઓથી ભરેલા માળાઓ પર એની નજર હતી.
એની આંખો દડદડી રહી હતી.
અરેરે! શું થશે નવી પેઢીનું ? એના હૈયામાંથી હાય નીકળતી હતી
પ્રકૃતિનું પાલન સત્તાધારીઓના કાયદામાં સરખું લખાયું છે કે નહિ?
એનો જવાબ મળે તે પહેલાં તો એની ડાળીઓ પર કુહાડીઓ વિંઝાઈ રહી હતી.
આસપાસ ભેગી થયેલી બાળકોની ટોળીની તાળીઓ એને સંભળાઈ રહી હતી.
નરી અણસમજને ?
એમને શી ખબર ઝેરી ધુમાડાને ગળી શ્વાસમાં પ્રાણ ભરતો વાયુ કોણ બનાવે છે?

ભરત શાહ

No comments:

Post a Comment