Sunday, March 6, 2011

મળવાનું થશે?

યાદ પણ નથી છેલ્લે ક્યારે તમને જોયા હતા. સામે આવી ઉભા રહો તો ઓળખું કે નહિ તે પણ ખબર નથી.
તો ય ન જાણે કેમ તમારું નામ હોઠો પર આવ્યા કરે છે. સ્મિતની એ લહેર નજર સમક્ષ લહેરાયા કરે છે.
જ્યારે પણ જુના મિત્રો-પરિચિતો મળે, વાતવાત માં તમારા નામનો ઉલ્લેખ થઇ જાય છે
તમે ક્યાં છો, કેમ છો, શું કરો છો એ જાણવાનું મન થઇ જાય છે.
ન સમજાય તેવા મારા લગાવને, સ્વભાવની વિચિત્રતા સમજી તેઓ ખડખડાટ હસી કાઢે છે.
પછી એમ પણ થાય કે આ ગાંડપણ એક તરફી જ છે કે તમારી મનોસ્થિતિ પણ મારા જેવી જ છે
કોઈક અધુરી વાંચેલી કે સાંભળેલી કહાણીમાં જાણે મન પરોવાયેલું રહી ગયો હોય એવો એહસાસ થયા કરે છે
છેલ્લા બે ત્રણ પ્રકરણ વગરની નવલકથા કદી તમે લાયબ્રેરીમાંથી ચેક આઉટ કરી છે?
મનમાં કેટલાયે સવાલો છે. અને કાલ્પનિક જવાબો છે.
ન કહી શકાયેલી વાતનો વીષાદ છે અને હવે કહેવાની વાતના સંવાદનો રીયાઝ છે.
નક્કી કર્યું છે. મળવાનું થશે તો એ સંવાદ તમને જરૂર સંભળાવીશ.
પછી એ માટે મારે ગમે તેટલી હિંમત એકઠી કરવી પડે.
મારા શબ્દો તમને ગમશે કે નહિ એ મને ખબર નથી કે એની ફિકર પણ નથી
એક વાત આટલા બધા વર્ષો પછી સમજાઈ છે
પરિણામની ફિકર કરવામાં તો જીવન આખું વીતી જાય
સાહસ વગર સફળતા જ નહિ, સંબધો પણ શક્ય નથી
ભરત શાહ

No comments:

Post a Comment