Sunday, March 27, 2011

આમ જોઈએ તો

આમ જોઈએ તો ચારેકોર પરિવર્તન છે.આમ જોઈએ તો બધું યથાવત છે.

જૂની નિશાળોના વહીવટ બદલાયા હશે. નામ એજ છે. નવી નિશાળો ખુલી છે. સાથે સાથે ટ્યુશન ક્લાસ પણ વધ્યા છે. કોઈ જાતના આંકડાની સહાય વિના ફક્ત સામાન્ય નિરીક્ષણથી કહી શકાય કે સ્થાપિત શિક્ષણ સંસ્થાઓમાં અપાતી કેળવણીમાં વાલીઓને કંઈક ઓછપ લાગે છે. એની ખોટ પુરવા માબાપ પોતાના અંગદ અને ઘરના ખર્ચામાં કરકસર કરીને પણ સંતાનોના ટ્યુશનના મોટા ખર્ચનો બોજ ઉઠાવે છે. શિક્ષિત માતા પિતા સમય કાઢી જે વિષયમાં પોતાને ખુદને સારી સમજ અને સૂઝ પડે છે એ વિષયો પોતાના બાળકોને જાતે શા માટે નહિ શીખવતા હોય એ સવાલનો કદાચ એકજ ઉત્તર હોઈ શકે. એમને એ ડર હોઈ શકે કે ટ્યુશન સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા શિક્ષકો એમના સંતાનો પ્રત્યે પરીક્ષામાં ગુણ આપતી વેળા કોઈ અન્યાય ન કરી બેસે. પરિણામમા, વિદ્યાર્થીઓ શાળામાં ફક્ત હાજરી પુરાવવા જાય છે અને પછી સ્કૂટરો ઉપર સવાર થઇ વહેલી સવારથી ટ્યુશન ક્લાસમાં કંઈક શીખવા જાય છે.

રમત ગમત, પર્યટન, કસરત, સાહિત્ય, સંગીત જેવી ઈતર પ્રવૃત્તિઓ માટે એમને સમય મળે છે કે કેમ એ પણ સવાલ છે.

ભરત શાહ

No comments:

Post a Comment