Sunday, December 6, 2015

મારી ચારે કોર ઊંચી ઊંચી દિવાલો નથી
એની ઉપર કાચના તીક્ષ્ણ ટુકડા જડેલા નથી
હું કટાઈ ગયેલ લોખંડના જાડા સળિયાઓ પાછળ બંધ નથી
એની બહાર પડછંદ પહેરેદારોનો પહેરો નથી
કે એમની પાસે વિકરાળ, લાળ લબડાવાતા
કુતરાઓનો કાફલો નથી.

ના, હું નથી જેલમાં કે નથી કોઈ કાળ કોટડીમાં

તોય મારા પગમાં બંધાઈ છે સાંકળો
મારા હાથમાં પડી છે બેડીઓ
અંત:કરણ સાથે કરેલી સમજુતીઓની
સમય અને સંજોગાના ઢાંચામાં ઢાળેલા સત્યની
પરાણે પોષી રાખેલા સંબંધોની, એમાં અટવાયેલી અપેક્ષાઓની
એમાં પડેલીી કે પાડેલી તીરાડોની

એક મ્હોરુંં પહેરી ભટકું છું
હસતું, સ્વતંત્રતાનું
 

Monday, December 22, 2014

રહસ્ય

ડર લાગે છે બીજી આકસ્મિક મુલાકાતનો
પ્રથમ સ્મિતના રહસ્યને વાગોળી જીવી લઈશ,
બસ એજ

સાવધાન


તમે તો હમણાના વિકેન્ડમાં ક્યાંય દેખાતા જ નથીને ?
હા, રાહુલની રસોઈ કરવા દર અઠવાડિયે સેયરવીલ જઈએ છીએ.
કેમ વહુને નથી ફાવતું ?
ના..ના, એ પંજાબણ, એને માંસ મચ્છી વિગેરેનો બાધ નહીં ને..
બરાબર, ને આપણો રાહુલ તો નાનપણથી દેરાસર જનારો. સંસ્કારી...
એટલેજ ને... મેં તો રાહુલ પાસે પહેલેથી રેફ્રીજરેટર પણ જુદું લેવડાવી દીધું છે.
વહુને વાંધો નહીં?
હોય તોય શું? આપણા છોકરાનું ઘર છે.
વહુના માબાપ આવે તો?
એમ થતું ટાળીયે.
પણ ભેગા થઇ જાઓ તો?
તો મેં રાહુલને કહી દીધું છે, અમારી હાજરીમાં ચીકન બીકન કે દારુ બારુ નહીં.
વહુ કંઈ બોલે નહીં?
કતરાય ખરી.. પંજાબી લોકો તો બોલવામાં આમેય તોછડા.
પૈસા ખર્ચવામાં ય આપણા જેવા નહીં, ખરુંને?
હા, લિવિંગ રુમમાં પાંચ હજારનું પેઇન્ટીગ લાવી એક ઝટકામાં લટકાવી દીધું.
પાંચ હજાર?
ફ્રેમના તો જુદા.
તમે કઈ બોલો ના?
જીવ બળે એટલે બોલ્યા વગર રહું?
ને રાહુલ?
એક શબ્દ ના બોલે... ના એને કંઈ કહે.. ના મને.
ને નવીનભાઈ?
મારી દર એક વાતમાં એમનું તો એક જ રટણ.
શું?
હવે આપણે સેયરવીલ જવાનું બંધ કરવું જોઈએ.
ઓહ....કારણ ?
નથી કે'તા.... બાપ દીકરો બેઉ મિંઢા છે.
ભરત શાહ

Peshawar

खुदाभी हो गये खामोश
जब पूछा
एकसो बत्तीस बच्चोंे ने कयामतमें
है ये किस गुनाहों की सज़ा?
शर्मसे निगाहें फेरी उसने शैतानकी ओर
बेह रहा था खून उसकी भी आँखोसे
-भरत शाह

Thursday, December 18, 2014

એમ કર મા

માણસો ગમતાં બધે ના મળે
ગમ્યા કેટલાને, હિસાબ એમ કર મા
મ્હોરાં મળે, ચ્હેરા બધે ના મળે
ધરી આરસી, ઉપહાસ એમ કર મા
શબ્દો મળે, ભાષા બધે ના મળે
સંસ્કારની ગ્હેરી તપાસ એમ કર મા
શોર મળે, સંગીત બધે ના મળે
મહેફિલમાં મન ઉદાસ એમ કર મા
સૌ અધૂરાં, પૂરા ક્યાંય ના મળે?
લઇ દીવો એમની તલાશ એમ કર મા
જો નથી અંદર તો બ્હાર ના મળે
શોધવાનો અમથો પ્રયાસ એમ કર મા
ભરત શાહ

રાજદીપ સરદેસાઈ

સવારમાં પહોરમાં ઉઠી હું વાઘ બકરી ચ્હા પીઉ છું
ભાવનગરી ગાંઠિયા ખાઉં છું
ગુજરાત સમાચાર વાંચું છું
બાસમતી ચોખાની ખીચડી લંચ બોકસમાં મુકું છું
દેશમાં ફિટિંગ ખાતર સિવડાવેલું પેન્ટ પહેરું છું
અમદાવાદમાં પંડ્યા પાસે કરાવેલા ચશ્માં પહેરું છું
દેશમાં બનાવડાવેલા મંદિરમાં પ્રાર્થના કરુ છું
કારમાંથી મા ને રીલાયન્સ દ્વારા દેશમાં ફોન કરું છું
ભાઈના મકાન માટે સ્ટેટ બેન્કમાંથી ચેક મોકલવાનું વચન આપું છું
અમારી જમીન પર કબજો લઇ બેઠેલાઓ ના કેસ માટે વકીલની સલાહ લેવાને
પૈસાની વ્યવસ્થા કરવાની પણ ગોઠવણ કરું છું
......................................................................
..............................
અને આ માળો  મને પૂછે છે હું
અહીંથી દેશ માટે શું કરું છું
હદ હોય છે બેશરમીની

કંકૂ ચાંલા ને નારિયેળ


મજીદ, કાલે અવાશે ને?
સવાલ જ નૈ ભૈ. ક્યારનું છે પ્લેન?
સાંજનું...બારેક વાગે નીકળીએ. વરસાદને લીધે ખાડા ખાબોચિયાં હોય ને ટ્રાફિક પણ.
કેટલા આવવાના મુકવા? ને બેગ? મોટી ગાડી લાવું ને?
કોઈ જ નહીં. એકલો જ છું. બેગ પણ એક જ છે. નાની મારુતી ચાલશે.
તો, મરિયમ ને મેહ્જબિનને લઇ મોટી ગાડી સાથે આવીશ.
જરૂર નથી. આખા દિવસની રખડપટ્ટી કરવાની.

ભૈ, પહેલીવારના ગયા તારે મારી ઘોડાગાડીમાં રેલવે ટેશન ગયા'તા.
આખું ગામ આયું'તું વળાવવા. મરિયમે પણ તમને કંકુ ચાંલા કર્યા'તા
તો?
તો આજે પણ કંકુ ચાંલા એ જ કરશે. અમદાવાદ એરપોર્ટ પર.