Tuesday, June 24, 2014

કડવા ઘૂંટડા મીઠા લીમડાને છાંયડે

કડવા ઘૂંટડા મીઠા લીમડાને છાંયડે

હું: માજી, બહુ તરસ લાગી છે. ગળું શોસવાય છે.
માજી: પહેલા બે જ ઘૂંટડા પી. ઘડીક બેસ છાંયડે નિરાંતે, પછી વધારે.
હું: હુકમ તમારો.
માજી: હુકમ તો ઉપરવાળાનો. કંઈથી આયો આવો પરસેવે રેબઝેબ?
હું: વડોદરેથી.
માજી: આવા તાપમાં સાઈકલ ઉપર? ફટક્યું છે? કઈ ભણી?
હું: ગોધરે.... સાહસ કરવાનું મન થયું.
માજી: ગાંડપણ કહેવાય એને....રસ્તે આવતી પરબે સરખું પાણી પીએ છે ને?
હું: પીઉ છું. પણ છેલ્લી પરબથી તમારી આઘી ઘણી લાગી.
માજી: રસ્તે કેટલીક બંધ થઇ ગઈ છે. મારીય બંધ થવાની.
હું: કમાણી નથી માજી?
માજી: પાણીના પૈસા લઉં તો ઉપરવાળો નારાજ થાય. તરસ્યાની આંતરડી ઠરે એજ મનખા.
હું: તો, ભલું કામ બંધ કરવાનું કારણ? સૌ સારા વાના છે ને?
માજી: ઉપરવાળાનો હાથ છે ભઈ. પણ ચાર દા'ડામાં આ લીમડાના છાંયડા જવાના.
હું: ક્યાં જવાના?
માજી: નવી સડક નીકળવાની. કઈ બેહીશ હવે આ માટીની કોઠી, ગાગર ને પવાલાં લઇ ધીકતા તાપમાં?
હું: આગળ પાછળ બીજા ઝાડ?
માજી: જો આગળ પાછળ. બધા ગયા. સરકારી મોણહેય બધા ભૂખ્યા.
હું: પાણી માટે મારા જેવા...
માજી: તું તો શોખનો નીકળ્યો છે...મજૂરિયા બિચારા આ લાય જેવી લૂ માં રોજબરોજ કેટલુંય ચાલે ...
એમના તો વડ ગયા, વડવા ગયા, લીમડા ગયા, છાંયડા ગયા અને પાણીના ઘૂંટડાય ગયા...

No comments:

Post a Comment