Monday, March 12, 2012

સુર્યાસ્ત

"ચાલ પેલી ટેકરીએ જઈએ"

"તારાથી એટલું ચલાશે" એનો હાથ, હાથમાં લેતાં ડોસીએ પૂછ્યું.

એણે એની આંખોમાં આંખો પેરવી.

એ કંઈ કહે તે પહેલાંજ મુસ્કુરાતી બોલી. " ખબર છે ..ખબર છે. આપણીજ પાડેલી આ પગદંડીઓ છે... એમને ? એના પર પગલાં માંડતાજ રોમ રોમમાં જોમ ઉમટે છે .. એ જ ને?"

"પહેલાં તો હું અડધું વાક્ય બોલું ને તું પૂરું કરતી. હવે તો શરુ કરું એ પહેલાં જ.." ડોસાએ એની હથેળી હળવાશથી એની મુઠ્ઠીમાં જકડી. એ વહાલથી એની તરફ સરકી.

" એવું લાગે છે જાણે કાલે જ એ ટેકરી પર બેસી સૂરજને પશ્ચિમની ક્ષિતિજમાં ડૂબતો જોતાં." એના સાનિધ્યે ડોસાને ભૂતકાળની સ્મૃતિઓથી ઘેર્યો.

"હા..આકાશમાં રંગોળી પૂરાતી..આ તળાવ પણ જાણે કેસૂડાના રંગે છલકાતું. ધરતીને છેડેથી સોનેરી સેરોની લ્હાણ પીરસાતી. સુંદરતાના વધુ એક સ્વાંગે ધરતી સજતી"

"તારા જેટલી નહીં પણ.. આજેય જોને કેટલી સોહે છે." એ ઉભો રહી ગયો. એને જોઈ રહ્યો. શરમની એક લહરી ડોસીના ગાલની કરચળીયોમાં સરકી. એની પલકો ઢળી. ગાલમાં ગુલાબી ના જાણે ક્યાંથી આવી !

"ઘરડો થયો પણ..." ખોટો ગુસ્સો કરતાં એ તડુકી." "તને તો સુર્યાસ્ત જોયા વગર નહીં ચાલે પાછું ..ધીમો પડી ગયો છે. ટેકરી પર સમયસર પહોંચશે?" ડોસીએ ચિંતા વ્યક્ત કરી.

ડોસાએ પગ તો ઉપાડ્યા પણ રોજ કરતાં ભારે લાગ્યા. ચાલવામાં શ્રમ વધુ પડ્યો

" થોડીક વધુ વાર...થોડીક...અંધારું થતાં આજેય કરગરવાનો?" ટેકરીએ પહોચતાં ડોસીના સ્મરણપટ પણ દ્રશ્યોની વણઝાર ચાલી.

"ના, આજે નહીં.. હમણાં નહીં.. મમ્મીનો વાંધો નહીં.. ડેડી તો ખબર પડશે તો.." ડોસીના શબ્દોની મજાકભરી નકલ કરતાં એ હાંફ્યો..ઉધરસ ચઢી.

"સુરુ... સુરુ શું થાય છે તને?" ચિંતાથી એના મુખમાંથી ચીસ નીકળી ગઈ. "અમથા આવ્યા ટેકરીએ... ઓપરેશન કરાયે હજુ તો બે મહિનાય નથી થયા"

" સાવ ગભરુ છે..હાઈસ્કૂલના દિવસોથીજ.. કંઈ નથી થવાનું , જરાક શ્વાસ ચઢી ગયો એમાં તો.. " ખિસ્સામાંથી પડીકાં કાઢતાં એ કહેતો હતો.

"આ તારા..મારી મીનૂના.. બબલુને આપજે... મારી બા મને પહેરાવતી" બાળમુકુન્દની પ્રતિમા સોનાના સિક્કામાં અંકિત કરેલ પેન્ડલ હતું.

"અને આ તારા માટે" બાળમુકુન્દની પ્રતિમાને જુએ તે પહેલાં તો એને બીજી વસ્તુ એના હાથમાં સરકાવી.

"ઓહ સુરુ.." હીરા જડિત ક્રોસ..આપણાં લગ્નમાં મારે ખરીદવો અને પહેરવો હતો તે જ." ઢળતી સાંજે એને લગ્ન નો દિવસ સાંભરી આવ્યો. એ જોઈ રહી..ગદગદ થઇ ગઈ

"જેનિફર..લગ્ન સમયે બધાની ધાકે ન મેં એ ખરીદ્યો કે આજ સુધી સૌનું મન અને માન રાખવા તેં કોઈ બીજો પહેર્યો. આજથી ગળે આજ પહેરજે"

"સુરુ...." ક્રોસ પહેરતા એના શબ્દો તરડાતા હતા. આંખોમાંથી આંસુઓની વણઅટકી ધાર વહેતી હતી.

" મારી આ નબળાઈ અને કાયરતા માટે જીવનભર એક હરફ સરખો તેં ઉચ્ચાર્યો નથી." અશ્રુના ધોધ સાથે એ જેનીફરના ખોળામાં ઢળી પડ્યો.

"સુરુ.. સુરુ.. ઉભો રહે હું કોઈને બોલાવું.." જેનિફર હિબકાં ભરતી હતી.. બિલકુલ અસમંજસ થઇ

સુરુની આંખો આજે પશ્ચિમમાં ઢળતા સુરજને જોઈ રહી ન હતી. એની નજરમાં જેનીફરના અંતરનું સૌન્દર્ય સદાને માટે અંકિત થઇ ગયું હતું.

-ભરત શાહ

No comments:

Post a Comment