સગપણ
કોઈ એને ટેણી કહેતું, કોઈ ટેણીયો.
કોઈ એને નટીયો કહેતું, કોઈ કાણીયો.
ને કોઈ તો ખાલી "અલ્યા ઓ...ય" જ.
કેટલાક તો ઇશારોજ કરતા.
કોઈ ગમે તે રીતે કે નામે બોલાવે, એ બધાની હજુરી કરતો.
બા એને નટીયો કહી બોલાવતી.
એની મા પણ.
એની ઉંમરનો હું, છઠ્ઠી માં.
નિશાળે જતો. ઘેર આવી લેસન કરતો.
નટુ એની માના કહેવાથી મન દઈ મજુરી કરતો.
ફળિયાના નાકે વીરસિંગની ચ્હાની રેંકડી.
નટુ વીરસિંગનો ટેણીયો.
રેંકડી ની આસપાસ ઝાડું વાળે, પાણી છાંટે,
સ્ટવમાં ઘાસલેટ ભરે,
રેંકડી ને લટકાવેલી ડહોળા પાણીની ડોલમાં કપ રકાબી ધુએ,
ધાતુની ડોલચીમાં ભૈયાને ત્યાંથી દુધ લાવે ,
ઓર્ડર પ્રમાણે ઘરાકને ચ્હા પહોંચાડે,
ઉધારીયા ખાતાઓની ઉઘરાણી કરે
ને બજારમાંથી બીડી સીગરેટ લાવી સ્ટોક ભરે.....
આટલું વૈતરું કરતાં ય ભણવા ને રમવાની ઉંમરે,
આખો દિવસ ઘરાકની તુમાખી ને ગાળો સહે.
એ ઓછું હોય તેમ નિશાળ જતાં આવતાં અવળચંડા છોકરાં ખીજવે.
લુકિંગ ટુ લંડન ટોકિંગ ટુ ટોકિયો
નટુ નટીયો, કોણીયો..કોણીયો..
છોકરાંઓનીની ખીજવણી સાંભળી બા બારણે આવે.
"તમારી જીભડી ખેંચી કાઢીશ"
એવી ખોખલી ધમકી આપી નેંધણીયાઓને ભગાડે.
નટુની આંખમાં આવેલાં આંસુ પાંપણો ભીની કરી અટકે.
ગૌ સેવા વિના બા જમે નહીં.
ગાયના આવતાં જ નટુ " બા તમાર મા આયા સે" કહી દરવાજો ખખડાવે.
"એને જવા નાં દેતો" કહી બા ઘી ચોપડેલી બે રોટલી ગાય માતાને આપે.
ઘી વગરની લુખી ત્રણેક રોટલી ને ધાતુંનો વાડકો ભરી દાળ કે શાક નટુ ને આપે.
"મન કો'ક દા'ડો તો ઘીની રોટલી આલો બા" એવું નટુ હસતાં હસતાં કહે.
તો બા કહે, "મુઆ, ગરીબને ઘી ખાવાની ખોટી ટેવ પોષાય નહીં."
નટુ,બા નો પડ્યો બોલ ઉપાડે.
એની જરૂર પડે તો હાક મારે, "વીરયા, નટીયાને જરા મોકલજેને!"
વીરસિંગ પણ નટુને એક શબ્દ કહ્યા વિના બાનું કામ કરવા દે.
બાપુજીની બપોરની ચ્હાની ડોલચી, બા નટુ સાથેજ દુકાને મોકલાવે.
બા એના કામનું કઈ પણ આપે ત્યારે
"મારી મા પાહેથી કૈઇ લેતો નહીં, તો તમાર પાહેથી લેવાય?"નટુ વિવેકથી બાને પૂછે.
"પાસા તમ તો મને નટીયો કૈ'ને બોલાવો સો.....કોણીયો નૈ."
"તું કાણીયો નથી, તને કાણીયો કહેનાર આંધળા છે" બા એને કહેતી
જ્યારે અમારે એ ફળિયું છોડવાનું થયું ત્યારે,
બા વીરયા ને નટુના ઘરનું ઠેકાણું પુછવા ગઈ.
એક ડોલચી લઇ, નટુની માને મળવા વાઘરીવાડ પહોંચી.
"નટીયો તો વટનો કટકો છે. મારી પાસેથી આ લેશે નહીં "
"બીજું કંઇજનથી, અંદર નટીયાની મહેનતની કમાઈ છે."
એમ કહી ડોલચી એની માને સોંપી.
"બા, મારો નટીયો તમાર વ્હાલે ઇયાં ઠરીને રીયો છે "
એમ કહેતાં એની આંખમાં આવેલાં આંસુ વણઅટક્યાં વહ્યાં.
ભરત શાહ