નગરખંડ પાસે બસ ઉભી રહી.
બધાજ પેસેન્જર ઉતાવળે ઉતરી ગયા.
બંને દીકરીઓ માને ઘેર ગામમાં હતી.
જમાલપુરાના છેલ્લે બસ સ્ટોપથી જ માનું ઘર પાસે પડશે એમ વિચારી વનિતા બસમાં જ બેસી રહી.
"બહેન, તમારે અહીં ઉતરવું પડશે." કંડક્ટરે સૂચના આપી.
'ભાઈ, મારે તો જમાલપુરા....."
"આજે બસ ત્યાં નહીં જાય. સાંભળ્યું નહીં વેજલપુર સ્ટોપે? એ તરફ તો સખ્ખત હુલ્લડ થયું છે. બીજે પણ ફેલાય."
"હું એકલી, બે બેગ સાથે....ઘણું ચાલવું પડશે." વનિતાને ઉતાવળે ઉતારેલાં પેસેંજરોના ચહેરા પર છવાયેલ ગભરાટનો પહેલીવાર અહેસાસ થયો.
"પરબત, ડેપોમો ગાડી ટેમસર પ્હોકવી જોયે." ડ્રાઈવરે કંડકટરને તાકીદ આપી.
સહાનુભુતિ અને લાચારીથી વનિતા સામે જોઈ પરબત બોલ્યો,
"ચાલવામાં જોખમ છે બહેન, રીક્ષા કરાવી લે જો..ભૂલે ચુકે કોઈપણ મુસલમાનની રીક્ષામાં બેસતા નહીં."
ઊંચા જીવે વનિતા બસમાંથી ઉતરી.
રસ્તા પર કોઈ અવરજવર ન હતી.
બધું એકદમ સુનસામ
સિવાય કે ડીસેમ્બરની ઠંડીમાં વાતા વાયરાનો સુસવાટ
દુપટ્ટો માથે બરાબર ઓઢી, છેડા ગળે વીંટાળ્યા.
કુર્તો સલવાર પહેરતી ત્યારે કપાળે એ ચાંલો કરતી નહીં.
એનું સાસરું સોસાયટીમાં હતું.
માના ઘર કરતાં સોસાયટી તરફની રીક્ષા લેવાનું વધારે સલામત, એણે વિચાર્યું.
દિકરીઓને કાલ સુધી નહીં મળાય એ હકીકતે મનોમન ઉદાસ થઇ.
પણ દુરથી આવતી રીક્ષા નજરે આવતાં જરાક નિરાંત અનુભવી.
મા અંબાનું નામ લઇ, વનિતાએ હાથ કર્યો.
રીક્ષાવાળો ધીમો પડી એના તરફ આવવા લાગ્યો.
નજદીક આવી, વનિતાના ચહેરાને એકજ ક્ષણ નીરખી,
રીક્ષા સોસાયટી ભણી દોડાવી ગયો.
"જય મહાકાળી," એની રીક્ષાની પાછળ લખેલા
એ શબ્દો વાંચીને વનિતાએ નીશાસો નાખ્યો.
પછી તો "જય બજરંગબલી", "અસલામાલેકુમ", "સબકા માલિક એક", "અલ્લાહ હાફિઝ" લખેલી રીક્ષાઓ ત્યાંથી પસાર થઇ. એક ન ઉભી રહી. બધાંને ઘેર પહોંચવાની ઉતાવળ હતી
સુરજ પશ્ચિમમાં ડૂબવા જઈ રહ્યો હતો
અંધકારનો ઓછાયો ગામને ઘેરવા ઉતાવળો થઇ રહ્યો હતો
વનિતાનો ગભરાટ, ભયમાં બદલાઈ રહ્યો હતો
બે બેગ લઇ ચાલી કાઢવાનો વિચાર આવ્યો
પણ મા ને ઘેર જતાં વચ્ચે મુસ્લિમ લત્તાઓ આવતા અને સાસરે જતાં કબ્રસ્તાન
છેલ્લા હુલ્લડમાં ત્રણ યુવાન શિક્ષિકાઓની કબ્રસ્તાન પાસેની નિશાળમાં જ કતલ થઇ હતી. એ ઘાતકી ઘટનાના સ્મરણ માત્રથી એ ભયભીત થઇ કંપી ઉઠી.
બે દીકરીઓ નાની ઉંમરે જ મા વગરની ...મનોમન, એ મૃત્યુની કલ્પના કરી રહી. સાથે ઈશ્વરને પ્રાર્થના અને શ્રીનાથજીમાં રાજભોગ કરાવવાની માનતા પણ માનવા માંડી
ત્યાં જ એક રીક્ષા ધીમી પડી. એની માનતા ફળી એવું એને લાગ્યું
"ક્યા જવું છે બહેન?"
વનિતા રીક્ષાવાળાને જોઈ રહી. મુછ વગરની પૂરી દાઢી ને માથે મિયાં ટોપી- સ્કલ કેપ
"ક્યાંય નહીં." વનિતાના કાનોમાં કંડક્ટરની ચેતવણીના પડઘા પડ્યા.
"બહેન, અંધારું થતાં કરફ્યુ થશે, બીજી એકેય રીક્ષા નહીં મળે." રીક્ષાવાળાના અવાજમાં ચિંતાનો ભાવ હતો
"વાંધો નહીં, તમે જાઓ." મનમાં ડર અને બહાર હિંમત દાખવી વનિતા રીક્ષાવાળાને આદેશ આપતી હતી
"બહેન, તમારાથી ત્રણસો મીટર પાછળ જ મુસ્લિમ લત્તો છે. તમે અહીં સલામત નથી."
"અને, તમારી સાથે સલામત રહીશ?" વનિતાથી રૂક્ષતાથી પુંછાઈ ગયું
"અહીંથી વધુ." રિક્ષાવાળાના અવાજમાં હજુયે નમ્રતા હતી
"તો પછી, નારાયણ સોસાઈટી લઇ જશો?"
"ના, ત્યાં ચોકમાં વાતાવરણ તંગ છે, મારી જાનનું જોખમ છે."
"તો, ક્યાં સલામત રાખશો મને?"
"અત્યારે તો કયાંય જવું જોખમ છે. સિવાય કે મારે ઘેર.."
"તમારે ઘેર?" વનિતા ડર અને આશ્ચર્યથી પૂછતી હતી
"હા, પૂરી સલામતીથી રાખીશું. મારું નામ બસીર, બીબી ફાતિમા. ઘેર બે બચ્ચી છે અને અમ્મી. અબ્બાતો અલ્લા મિયાંને ઘેર."
"તમારે ઘેર ?" વનિતાનું મોઢું હજુંય ખુલ્લું હતું
"હા, રીક્ષામાં બેસો છો કે નહીં?"
No comments:
Post a Comment