Sunday, August 23, 2009

નારી તું નારાયણી

મને શોધ છે સતત સર્વવ્યાપી સ્ત્રીની
નારી તું નારાયણીની

મળશે મને શું
અફઘાનીસ્તાનની બરફીલી પહાડીઓમાં
થથરતી બુરખાની અંદર
કે શેકાતી હશે ધોમ ધીકતા રાજસ્થાની રણમાં
વ્યથિત, ઘુંઘટ્ની ભીતર

સળગતી તો નહીં હોય મહાન ભારતે
પૈઠણની આગ ઉગળતી ચિતા પર
કે પછી ચીખતી હશે નિ:સહાય, દીકરાની લ્હાય
ગર્ભ ઉપર થતા અમાનુષ પ્રહાર પર

નોચાતી તો નહીં હોય બાળ વિધવા
શ્રીમંત, ખાનદાન, ઘમંડી ઘર
કે પછી વેચાતી હશે દેવદાસી
લોહીના વેપારમાં સગા બાપને કર

વાળતીતો નહીં હોય ફળિયું
નગર નગર, ઉભી યૌવનને ઉંબર
કોડ ભરેલી કન્યા હરીજન
પહેરી, ભદ્ર સમાજે ઉતારેલું પાનેતર

રહેંસાતી તો નહીં હોય કોઈ માઈ મુખ્તર
કરવાને પ્રાયશ્ચિત ભાઈએ કરેલા કહેવાતા પાપ પર
કે પછી ફાટતી હશે ધરતી
સમાવવા સીતાને પાછી પોતાને ઉદર

મળશે મને શું ઈન્દીરા
ગોલ્ડા, ઈવીટા, બેનઝીર, ભન્ડારનાયિકા
કે પછી પનીહારિઓ પગે ઉઘાડા
પીગળતી સડકો પર તરસતી
બે ઘુંટ પાણીની ખોજમાં
લઈ બાળ એક કેડ્માં ને બીજુ કોખમાં

ભરત શાહ
નોવાઈ, મીશીગન

Friday, August 14, 2009

મારું ઘર

હતું ઘર મારું
નાનું, જુનું,માટીએ ચણેલું
ભીંતે તીરાડો,અહીંતહીં પ્લાસ્ટર ઉખડેલું.

આગલે ખંડે એક પાટ ને ગાદલું
વચલે ખંડે અનાજ,ઉંદર ને ઘોર અંધારુ
મેડીએ બીલ્લી,રસોડું ધુણીથી કાળુ કાળુ
પડોશે વેચાય દુધ,છાશ,દહીં ખાટું
ને કરીયાણુ ભેળસેળયું
આંગણે ટોળુ માખીઓનું બણબણતું.

સામે બસ સ્ટેન્ડ, છાપરા વગરનું
ધૂમ વરસાદે,ધોમ તાપે કે કડકડતી ટાઢે
ઓટલો મારો પ્રતિક્ષિત માટે સ્થળ આશરાનું.
પટેલ,વાણિયા,મોચી,મુસલમાન
હો કોઈપણ રાહદાર
સૌ માટે બા એ ઓટલે
છે આજેય મુકેલું
માટલું અને પાણીનું પવાલું

છે ઘર મારું હવે ભવ્ય અને આલીશાન
ફેમસ આર્કીટેક્ટે ઘડેલું
ઈટલીના આરસ,ઈરાની ગાલીચા,
ઝળહળીત ઝુમ્મર,ફેન્સી ફોસેટ
ને કીંમતી રાચરચીલું

છે ઘરમાં બધું
નથી બા
કે પોર્ચમાં
માટલું અને પાણીનું પવાલું

ભરત શાહ
નોવાઈ, મીશીગન

Tuesday, August 11, 2009

ચુંટણી ૨૦૦૯

હરે ક્રીષ્ન, હરે ક્રીષ્ન !

યદા યદા કહી ગીતામાં છવાઈ ગયો
અને જોને આજે
હઝલમાં હાવ હવાઈ ગયો

આંખના પલકારે લાલા
સુદર્શન ચક્રે જરાસંઘ ચીરાઈ ગયો
અને જોને આજે
લલ્લુના બે બોલમાં કેવો બંધાઈ ગયો

કાલીંદીના જળમાં કાના
કાળીયો નાગ ઝેરીલો નથાઈ ગયો
અને જોને આજે
મતની મ્હોંકાણમાં કેવો ભરડાઈ ગયો

બતાવી મુખમાં બ્ર્હંમાંડ
માતા યશોદાને હેરતે હરખાઈ ગયો
અને જોને આજે
રાહુલની મા થી કેવો ભરમાઈ ગયો

ભરત શાહ
નોવાઈ, મીશીગન

સારું છે

સારું છે ડુમા ભરાય છે
નહીં તો દરીયા ઉભરાઈ જાતા

સારું છે મૌન સંભળાય છે
નહીં તો પરદા ચીરાઈ જાતા

સારું છે દુ:ખ વિસરાય છે
નહીં તો ડુંગરા ખડકાઈ જાતા

સારું છે મેળા ભરાય છે
નહીં તો એકલા ખોવાઈ જાતા

ભરત શાહ
નોવાઈ, મીશીગન

Sunday, August 9, 2009

વધુ વિભાજન?

મસ્જિદની માંહી મહંમદને ગુમસામ મેં જોયો
છોડી અયોધ્યા, અરણ્યમાં જતાં રામને જોયો

શત ફેંણ ફેલાવતાં કાતિલ કોમીનાગ મેં જોયો
શરમે ઝુકાવતાં નૈનો કાલિંદીકાંઠ કાનને જોયો

ખુદાનો આખરી પયગંબર પાક કુરાનમાં જોયો
લોહીભીની તલવારથી થતાં બદનામ મેં જોયો

થયેલી ભસ્મ લાશો પર હસતાં ઈન્સાન મેં જોયો
પોંછતાં અશ્રુ આંખેથી અરે રે શયતાન ને જોયો

ઝમેલો જમાવતાં સંત મહંત મૌલા ઈમામને જોયો
જોયા ધરમના ધુરંધર, હિંદુ ન મુસલમાન મેં જોયો

આંગળી ચીંધતાં હર અભિનેતા,નેતા મહાન ને જોયો
ગયો ગાંધી, ન કોઈને ઝાંખતો ગિરેબાનમાં મેં જોયો

મંદિરની માંહી મહંમદને રામની પનાહમાં મેં જોયો
મસ્જિદની માંહી રામને અલ્લાહની નિગાહમાં જોયો

ભરત શાહ
નોવાઈ, મીશીગન
ઓગસ્ટ ૯, ૨૦૦૯

રોહટાંગની કો'ક ટેકરી ઉપર

ઉભો છું ઉંચે એકલો અટુલો તોયે કોઈનો સાથ લાગે છે
સમીરની શીતળ લહરમાં અડકતો કોઇનો હાથ લાગે છે

નીરવતા, નરી નીરવતામાં, સંભળાતો કોઈનો સાદ લાગે છે
સંગીતની સાત સુરાવલીનો કોઈ અલૌકિક અંદાઝ લાગે છે

ક્ષિતિજ ચારેકોર, ઉપસ્થિતિ મારીજ મને અપવાદ લાગે છે
શોધવી અહીં ક્યાં સીમાઓ નિરર્થક નર્યો વિખવાદ લાગે છે

નજર માંડુ જ્યાં જ્યાં ઉદભવતો કોઈમાં વિશ્વાસ લાગે છે
ભલે કહે કોઈ આભાસ, અનંત પણ અંતરની પાસ લાગે છે

ભરત શાહ
નોવાઈ, મીશીગન
ઓગસ્ટ ૯, ૨૦૦૯