Wednesday, July 23, 2014

બે વત્તા બે

ટીચર: બે વત્તા બે કેટલા થાય?
ઓબામા: ટીચ, હું મારા યુરોપિયન ફ્રેન્ડ્સને પૂછીને કહું તો?
પુટીન: ટીચ, ઓનેસ્ટલી ! કંઈજ કહી શકું નહીં
મોદી: બેન, સવાલ જ નથી, ગુજરાતી છું. બોલો, કેટલા કરી આપું....?
ભરત શાહ

હિસાબ

પત્ની: આખી જિંદગી આખરે તમે કર્યું શું?
પતિ: મને કેમ પૂછે છે? હિસાબ તો તું રાખે છે.
ભરત શાહ

સવાલ

ઝાંઝવાના જળ છે એ તો.
માત્ર આભાસ છે.
તોય શાને દોડે છે
નાહકનું એની પાછળ?
મેં હરણ ને પૂછ્યું

હાંફતાં હાંફતાં
એની વિશાળ આંખો
આશ્ચર્યથી મારી તરફ મંડરાઈ.
એક સવાલ સાથે.
તું પૂછે છે?

ભરત શાહ

નેટવર્ક

તમે ફેસબુક પર છો?
ના.
ઈ- મેઈલ એડ્રેસ?
નથી.
સેલફોન?
નથી.
Wow, you have no life..તો બધાના ખબર અંતર?
બરાબર રહે છે. જેમ કે ગઈકાલે તમે લંચ લિઓનાર્ડોમાં લીધો હતો.
કોણે મારી પડોશી રીટાએ કહ્યું?
ના..ના.. તે સમયે તો એ બપોરના શો માં મુવી જોવા ગઈ હતી.
મારા પતિ પણ.
મને ખબર છે.
OMG....તમને આ બધી ખબર..
આખું નેટવર્ક છે મારું તો....

ભરત શાહ

Tuesday, July 8, 2014

અજાણ અસ્તિત્વ

હું એને "ચેમો" કહેતો.
એ મને "નોના શેઠ"

"મ્હા'ત્મા ગોધરે આયા'તા તારે તારો જનમ એમ મારા ડોહા કે'તા"
એ એના પિતાની રૂડી યાદ. બાકીની બધી ભૂંડી.
માને મારઝૂડ કરતા બાપને માથે પથરો ઝીકી
ખેરડી નદીને પેલે પારથી અમારી વાડીમાં ભાગી આવેલો.
બાર વર્ષની ઉંમરે, દિવસે દા'ડિયું ને રાતે "રોમ રોમ" રટતાં
વાડીનું રખેવાળું કરતાં એના જીવનની શરૂઆત થઇ હતી.

ગુસ્સામાં મારા બાપુજી એને કોઈક વાર "કમીના, કોળીની જાતના "
કહેતા તેથી એ પોતાની જાતને કોળી સમજતો.

કુકડો એની સવાર પાડતો. સુરજના તાપમાં પડતો પોતાનો પડછાયો
એને સમય કહેતો. માળામાં પાછા વળતા પંખી એને સાંજના એંધાણ દેતા
અને બુડતે સુરજે એ ચૂલો સળગાવતો.

અડધી પોતડી સિવાય કાળા ડીબાંગ શરીર પર બીજું કોઈ વસ્ત્ર નહીં.
બીડી કે હુક્કો પીએ ત્યારેજ ખબર પડે કે અંધારામાં એ ક્યા ઉભો કે બેઠો છે.
શરીર પર ચરબીનો એક ઔંશ નહીં. બસ હાડકાનું માળખું.
જીવવાનું દ્રઢ મનોબળ જ એને પાવડા- કુહાડી ઊંચકાવે ને હળ ચલાવડાવે.

વાર તહેવાર કે મહિના માસની એને અટકળ પણ મોસમની તો પૂરી ભાળ
ખેરડી નદી ચોમાસે ઉભરાય નહીં તો જીવે ઉચાટ અને
પાકમાં જીવાત પડે કે જનાવર પેસે તો ય એને સંતાપ
મોટા શેઠ એના બાપ અને ધરતી એની માવડી સમાન

રુખલી એની બાઈડી.
બરડે સોળ ને સૂજેલી આંખો લઇ એના ધણીને મે'લી દા'ડીયે આવેલી
પછી વાડીએ જ રહી ગયેલી
બેઉ સંગાથે બીડી પીવે
વરસે બે વરસે છોરું જણે.
બે ચાર વરસ સુધી છોકરાં નાગા ફરે.
જીવી જાય તે ઢોર ચારે ને દસ બાર વરસે મજૂરીએ લાગી જાય

બાપુજી દાણા આપે, રહેવાનું ખોરડું અને ઉતરેલા કપડાં આપે.
વાર તહેવારે કે ટાણે રોકડા પૈસાય લઇ જાય.
પૈસા ગણતાં આવડે પણ હિસાબ કરતાં ન આવડે

છોરો પંદર વરસનો થયેલો એ પહેલાં તો લાડી લઇ આવેલો.
લગન માટે લીધેલા પૈસાનું વ્યાજ આપવા એ ય ચક્કી એ ચડી ગયેલો.
"ઘેમલા" ના નામે બધા એને ઓળખે
એના બાપની જેમ એનું ય કોઈ સાચું નામ ન જાણે
અટકનો તો સવાલ જ નહીં
એમની ઓળખાણ એમનો અંગુઠો

બીડીઓએ ચેમાના ફેફસાં ભરખ્યાં
ભૂવા બોલાવ્યા. ઘર ગામઠી ઈલાજ કરાવ્યા.
આખી જિંદગી અમારી વાડીમાં ગુજારી ત્યાં જ ગુજરી ગયો
અંત સુધી એનું ખરું નામ જણાવ્યા વગર.
અને મારું નામ જાણ્યા વગર.
નદીની પેલી પાર પડતર જમીનમાં એને અગ્નિદાહ દેવાયો.
એણેજ સીંચેલા અને ઉગાડેલા પીળા ગલગોટાનો હાર પહેરાવી.

Tuesday, June 24, 2014

ખુલાસો

ખુલાસો

"મળીએ?"
મેં પ્રસ્તાવ મુક્યો.

"તું... પૂછે છે?"
"પચાસ વર્ષ થઇ ગયા જોયે."
"જોયે કે આજ પહેલાં એક શબ્દ કહે !"
" એટલે જ. તાજમાં મળી શકે? કાલે, લંચમાં?"

"આવીશ."

મળ્યા.
શાળાના સ્મરણોના
ઢગલા કર્યા.
હસ્યા.
મૌન રહ્યા.
મૌને આંખો ભીની કરી.

"એક વાત પૂછું?"
"હ..મ.."
"આટલા વર્ષોમાં મારી યાદ આવી?"
"રોજ."
"એમ ના થયું વાત કરું?"
" થયું. પણ કાલે જ હિંમત એકઠી કરી શક્યો."
"અઢાર હજાર બસો પચાસ દિવસ પછી?"
"દેશ આવ્યો હતો લગ્ન માટે. છાપામાં જાહેરખબર જોઈ ન હતી?"
"ગુસ્સો આવ્યો હતો બહુ, તારા પર."
"મારી સામે આવીને કેમ ન કર્યો?"
"ખેર, મધુર સ્વપ્ન કદાચ...."
" મધુર ન રહ્યા હોત?"

"જઈશું?"

કડવા ઘૂંટડા મીઠા લીમડાને છાંયડે

કડવા ઘૂંટડા મીઠા લીમડાને છાંયડે

હું: માજી, બહુ તરસ લાગી છે. ગળું શોસવાય છે.
માજી: પહેલા બે જ ઘૂંટડા પી. ઘડીક બેસ છાંયડે નિરાંતે, પછી વધારે.
હું: હુકમ તમારો.
માજી: હુકમ તો ઉપરવાળાનો. કંઈથી આયો આવો પરસેવે રેબઝેબ?
હું: વડોદરેથી.
માજી: આવા તાપમાં સાઈકલ ઉપર? ફટક્યું છે? કઈ ભણી?
હું: ગોધરે.... સાહસ કરવાનું મન થયું.
માજી: ગાંડપણ કહેવાય એને....રસ્તે આવતી પરબે સરખું પાણી પીએ છે ને?
હું: પીઉ છું. પણ છેલ્લી પરબથી તમારી આઘી ઘણી લાગી.
માજી: રસ્તે કેટલીક બંધ થઇ ગઈ છે. મારીય બંધ થવાની.
હું: કમાણી નથી માજી?
માજી: પાણીના પૈસા લઉં તો ઉપરવાળો નારાજ થાય. તરસ્યાની આંતરડી ઠરે એજ મનખા.
હું: તો, ભલું કામ બંધ કરવાનું કારણ? સૌ સારા વાના છે ને?
માજી: ઉપરવાળાનો હાથ છે ભઈ. પણ ચાર દા'ડામાં આ લીમડાના છાંયડા જવાના.
હું: ક્યાં જવાના?
માજી: નવી સડક નીકળવાની. કઈ બેહીશ હવે આ માટીની કોઠી, ગાગર ને પવાલાં લઇ ધીકતા તાપમાં?
હું: આગળ પાછળ બીજા ઝાડ?
માજી: જો આગળ પાછળ. બધા ગયા. સરકારી મોણહેય બધા ભૂખ્યા.
હું: પાણી માટે મારા જેવા...
માજી: તું તો શોખનો નીકળ્યો છે...મજૂરિયા બિચારા આ લાય જેવી લૂ માં રોજબરોજ કેટલુંય ચાલે ...
એમના તો વડ ગયા, વડવા ગયા, લીમડા ગયા, છાંયડા ગયા અને પાણીના ઘૂંટડાય ગયા...