પ્રતિબિંબ
મંદીરની સામે ખુલ્લી જગામાં મજીદે ગાડી ઉભી રાખી.
બા અને મંગૂએ ભેગા મળી મને નીચે ઉતાર્યો.
ઘણા દિવસ પછી ઘરની બહાર નીકળ્યો હતો.
ઠંડી હતી અને સાથે થોડો વાયરો પણ.
મને ખુલ્લો રેશમી સદરો અને સુંવાળો સુતરાઉ લેંઘો પહેરાવ્યા હતા.
પગમાં ચપ્પલ પણ કાપડના જ હતા
શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ. પણ ગમી.
છેલ્લા ત્રણેક અઠવાડીયાની ઓરડાની એકલતા પળભરમાં વિસરાઈ ગઈ.
ખુલ્લી મોકળાશની ઉષ્મા મારા નબળા પડી ગયેલા ગાત્રોને વીંટળાઈ.
મંગૂ મારો હાથ પકડી ચાલતી હતી. ધીમે ધીમે, મારાં ડગલે ડગલે.
બા અમારાથી આગળ નીકળી ગઈ હતી
મંદીરનાં પ્રાંગણના દરવાજે પહોંચતા એ અટકી .
બંને હાથ જોડી, આંખ બંધ કરી થોડીક ક્ષણ ઉભી રહી.
ને જમીન પર ઢળી.
"બા" મારા મોંઢામાથી નબળી ચીસ સરી.
મારા પગમાં ના જાણે ક્યાંથી જોમ આવ્યું!
મંગૂના હાથમાંથી હાથ છીનવી બા તરફ ઝડપથી જવા મેં પ્રયાસ આદર્યો.
ભઈ, તમે પડશો, કહી મંગૂ તરત જ મારી પાછળ આવી.
ઝડપથી હાથ પકડતા, મારા હાથ પર સુકાઈ ગયેલું ભીંગડું ઉખડયું.
મેં ચીસ પાડી. લોહીની નજીવી ટસર એ ભીંગડામાં થી નીસરી.
ઓ માવડી મારી, મેં આ શું કર્યું! મંગૂ એ નીશાશો નાખી મને અટકાવ્યો.
ભઈ, બહુ દુખાડયું તો નથી ને? એમ પૂછી ઝડપથી એણે મારા શરીર પર નજર ફેરવી.
મારી નજર બા તરફ હતી.
એ આળોટતી આળોટતી મંદીર તરફ આગળ વધતી હતી.
મંગૂ, બા આ શું કરે છે? એને શું થઇ ગયું છે? તું પહેલાં એને અટકાવ. મને કઈ નથી થવાનું.
ભઈ, હું એવા પાપમાં ના પડું.
પાપ? એમાં શેનું પાપ? એને કંઈક થઇ જશે. એનું શરીર છોલાશે. હું ક્રોધથી થથરતો હતો.
એની બાધા મારાથી ન તોડાય.
શેની બાધા ?
તમારું શરીર તમે દરપણમાં જોયું છે?
ના, રૂમમાં દર્પણ જ નથી.
તમને આખા શરીરે અને મ્હોમાં ભારે શીતળા માતા નીકળ્યા છે.
જાણું છું.
ત્યારથી બા એ ભાત ને મીઠું છોડી એકાસણા કરી બાધા લીધી હતી.
કે?????
તમને સારું થઇ જશે, શરીર પર એક ડાઘ નહીં રહે તો એ આળોટતી આળોટતી શીતળા માતાને શરણે આવી, એની પૂજા કરી, બાધા પૂરી કરશે.
મેં મંદીરના પ્રાંગણમાં ફરી નજર નાખી
અર્ધભુખી બા જમીન પર આળોટતી આળોટતી હજુ અડધે પહોંચી હતી.
મન તો ઘણું થયું દોડીને એ અંધશ્રધ્ધાનો અંત લાવું.
એ ગાંડપણ અટકાવું.
પણ દોડી ના શક્યો.
ત્યાં જ થીજી ગયો.
એની મમતાને પડકારી ના શક્યો.
ભઈ, ધીમા ધીમા ચાલો.. તમારે પણ માના આશિર્વાદ લેવાના છે.
મંગૂ મને કહેતી હતી.
વર્ષો થઇ ગયા.
મંગૂ ના શબ્દો આજે ય સંભળાય છે.
જ્યારે જયારે બાના આશિર્વાદનું પ્રતિબિંબ
મને દર્પણમાં દેખાય છે.