Wednesday, August 7, 2013

તમે

તમે બોલો જો કંઈક, તો કહું ના?
પડે પડઘા જો મૌનના, સુણું ના?

આંખો ય કહી કહી કેટલું કહે,
ખુલે પાંપણ તો ભેદ હું ખોલું ના?

ઉમટે લહરખી સ્મિતની હોઠે
મુઈ, વાગે વાછંટ તો ભીંજાઉ ના?

લખે કુમળું કૈ, આંગળી કિતાબે
ખુલે અડધી તો શબ્દો ઉકેલું ના?

લટે ય જુઓને કેટલી હઠીલી
જરી કહો તો વાયરાને વારુ ના?

તમે આવો ને જાવ ક્યારે ના જાણું,
હા કહો તો પાયલ પહેરાઉં ના?

ભરત શાહ

Sunday, August 4, 2013

આમ તો

આમ તો

આમ તો હું તને કયાં યાદ કરું છું
ભૂલથીય ક્યાં ભટકાઉં છું
પણ જ્યારે અડધી રાતે તારું બારણું ખખડાવું છું
તું સફાળો જાગે છે ને ચિંતિત થઇ મને પૂછે છે
બધું બરાબર છે ને? બા, બાપુજી, બાળકો, ભાભી?
જવાનું છે ક્યાંક?
બસ એક સેકંડ આપ, હમણા જ આવ્યો
ચિંતા ના કર બધું બરાબર કરી દઈશું
બરાબર થઇ જશે
પૈસાની તો બિલકુલ પરવાજ ન કરતો

અને હું હસું છું
ખડખડાટ
ને કહું છું
બહુ દિવસો થઇ ગયા બેટા
તને આવો જોવાનો લ્હાવો લેવાના

હું તો ખાલી એમજ આવ્યો હતો
તને happy friendship day કહેવા

અને તું વરસાવે છે
સુરતી ગાળોની વણઅટકી ઝડી
દબાવીને મારી ગળચી

ભરત શાહ