Sunday, May 8, 2011

એક પત્ર

એક પત્ર
થયું લાવ જલાવી દઉં
જલી જશે એની સાથ
યાદ પુરાણી

ચાંપી સળી
પડ્યો પત્ર ફરસ પર
પ્રજ્વળી.

નમી નીચો, રહ્યો નિહાળી
આંખે અશ્રુભીની
અસફળ પ્રણય કહાણી

સર્યા આંખથી અશ્રુ, ને
જવાળા આખરી સમાણી

થયું, થવાને ભસ્મ ન દીધું શું
મુજ અશ્રુએ?
જોયું તો હતું
નામ તારું.

-ભરત શાહ

પ્રેમનું નાટક

જ્યાં જાઓ ત્યાં, જે મળે તે
કરે પ્રેમની વાતો.
કોઈ પ્રેમમાં પડ્યું છે
તો કોકને પડવું છે
કોઈને પ્રેમ મળ્યો છે
તો ખોવાયો છે કોઈનો
કોઈ પ્રેમના સ્વપ્ન જુએ
તો ભગ્ન થઈ કોઈ રુએ
કોઈને પ્રેમમાં મરવું છે
તો હરદમ કોઈ જીવવા ચહે

જાત જાતના પ્રેમ છે
માતૃપ્રેમ, ભ્રાતૃપ્રેમ, ભગીનીપ્રેમ,
પતિપ્રેમ, પત્નીપ્રેમ, પિતાપ્રેમ,
દેશપ્રેમ, ભાષાપ્રેમ, ધર્મપ્રેમ
પશુપ્રેમ, પક્ષીપ્રેમ, વૃક્ષપ્રેમ
વિશ્વપ્રેમ, માનવ પ્રેમ,
પ્રેમ.. પ્રેમ.. પ્રેમ.. પ્રેમ.. પ્રેમ,
તો પછી મહાભારત, ભાગ એક થી અઢાર
ને વિશ્વયુદ્ધ ભાગ એક, બે અને ટૂ બી કન્ટીન્યુડ કેમ ?
સાલું ખરું છે આ પ્રેમનું નાટક
પહેલેથીજ જુઠ્ઠું
કલાકારોય જુઓ
માળા એક એક થી ચઢીયાતા
.............ભરત શાહ

Sunday, May 1, 2011

અસહ્ય ભાર

તમે હતાં આતુર સુણવાને કંઈક
પણ કહી ન શક્યા અમે કંઈ.
તમે ક્યાં અને અમે કંઈ
દ્વિધામાં એ બસ ચુપ રહી ગયા કંઈક.
હવે આવી છે હામ કહેવાની કંઈક
ત્યારે, તમે છો ક્યાં એનીય
ખબર નથી અમને કંઈજ.

ખબર કોને, ખુલાસા આવા
રહી જશે કરવાના કેટલા કંઈ?
અને રહી જશે રહસ્યો
ઉરના ઉંડાણે દબાયેલા કંઈક.

નથી પીડા કે દર્દ દિલમાં
બસ, અણકહ્યા થોડાક શબ્દોનો
અસહ્ય ભાર છે કંઈક.

ભરત શાહ