Wednesday, March 20, 2013

સથવાર

એકલો છું તેથી અરીસાનો આભાર માનું છું
પ્રતિબિંબ હો બેડોળ,અમોલ સથવાર માનું છું


છે આમેય ક્યા કોઈ અંગદ,ઢળે શીર કાંધે જેના
વાળી અદબ, શીરે ઉન્નત,જિંદગીને પડકાર માનું છું

Sunday, March 17, 2013

વિલાપ

મા ના મૃત્યુ ટાણે ચોધાર આંસુએ વિલાપ કરતી દીકરી ને
સાસુના મૃત્યુ ટાણે ભીની આંખ કરવામાય કેમ મથામણ થતી હશે?
ભરત શાહ
 

અમદાવાદ

હોટલમાં ડીનરનું બિલ આવે અને તમારો મિત્ર ખીસામાં હાથ નાખે ત્યારે એકદમ હરખાઇ ના જતા
આવી ઘડીએ ખીસામાંથી રૂમાલ કાઢનારા આજેય અમદાવાદનું નામ રોશન કરે છે બોસ
સવાલ જ નહીં એમાં સાહેબ

ભરત શાહ

બે બહેનો

સત્તા અને સંપત્તિ એકબીજાને પુરક એવી બે બહેનો હશે
પણ એ બેઉને સુખ સાથે કોઈજ સ્નેહ કે ભ્રાતૃભાવ નથી
 
ભરત શાહ

સમજ

ટાંકણે આવતી સમજ અમોલ
ભાવ ન પૂછે પછી એનો કોય
-ભરત શાહ

મૌન

તમે જાણો છો તમારા બોલ કોઈ જરાય સાંભળતું નથી
સમજો છો તમે ચુપ થઇ જાઓ એ ક્ષણની સૌને રાહ છે
મન પણ કહે છે તમારા શબ્દો સૌને બકવાસ લાગે છે
તે છતાંય તમારી જીભ કેમેય કરી અટકી શકતી નથી
કેમ?
કારણકે મૌનની ભાષા તમે ક્યારેય શીખ્યા જ નથી
એની શક્તિથી તમે બિલકુલ અજાણ અને અજ્ઞાન છો
બીજી બધી શક્તિઓની જેમ મૌનશક્તિ પ્રાપ્ત કરવા
પણ વર્ષો સતત સાધના અને તપસ્યા કરવી પડે છે
-ભરત શાહ

ભાષણ

શ્રીનાથજીના મંદિર પાસે સાવ સુકલકડું છોકરું કેડમાં ઘાલી
એક દસ બાર વર્ષની છોકરી ભીખ માંગતી હતી
છોકરું ડીહાઈડ્રેટ થઇ ગયું છે એમ વિચારી મારી દિકરીએ
પાસેની લારીમાંથી ચાર મોસંબી લઇ એને આપી

અમારા દેખતાં જ એ મોસંબીઓ લારીવાળાને પાછી આપી
એની પાસેથી એણે રોકડા પૈસા કરાવી લીધા
દિકરીના કહેવાથી મેં લારીવાળાને ટકોર કરી
"સાહેબ, એ છોકરી રોકડા પૈસા એના માલિકને નહીં લાવી આપે તો
સાંજે એની સખત પીટાઈ થઇ જશે" લારીવાળાએ પોતાનો બચાવ કર્યો

"આવા બાળકોને નિર્દય ગુંડાઓના હાથમાંથી છોડાવવાનું કામજ સાચો ધર્મ છે"
અમારી ટોળકીમાં મેં ભાષણ આપ્યું
મારી દિકરી ગુજરાતીમાં કરેલું મારું ભાષણ સમજી પણ ન શકી

ચાર દિવસ પછી ડોલર કમાવા અમેરિકા આવતો રહ્યો
ભરત શાહ

જીવન

જીવન એ દોડ નથી, હોડ નથી કે બીજાના અનુભવનો નિચોડ નથી.
સ્વયં ને શોધવા બક્ષેલી ઈશ્વરની આ અમોલ ભેંટની કોઈ જોડ નથી
-ભરત શાહ