Sunday, April 29, 2012

સેવા અને ભક્તિ

"આમાં મને શું લાભ?" કે "આમાં મને શું મળ્યું?" એવી ગણત્રીના વિચાર માત્ર સાથે કરેલું કાર્ય "સેવા" ની હરોળમાં મૂકી ન શકાય.
જેમ કે પાંચ મૂકી પચાસ મેળવવાની અપેક્ષા સાથે કરેલા દંડવત પ્રણામને ઈશ્વરની ભક્તિનો એક ભાગ ન કહી શકાય.
સેવા અને ભક્તિના પરિણામ સ્વરૂપ "કંઈક" અલૌકીક અંતરમાં જમા જરૂર થાય છે. પણ ઈશ્વર સહીત, કોઈનુંય આપણા પ્રત્યે ઉધાર રહેતું નથી
ભરત શાહ

દુ:ખ

મીનાકુમારીને પરદા ઉપર દુ:ખ પડે.
ને મારી આંખમાંથી દડ દડ આંસુ પડે.
પછી, થીયેટરની બહાર ભીખ માંગતી
હાડપિંજર સમી
લઘર વઘર છોકરીને મારી ગાળો પડે.
એના માબાપને પણ.
જણી જણી ને મૂકી દે છે રસ્તે રઝળતા
કહું મિત્રને.
પણ એતો
ખીસામાંથી પૈસા કાઢે.
"દારુ પીશે એનો બાપ તારા પૈસે"
મારા વિધાનના જવાબમાં એ હસે.
પૂછે,
બ્લેક માં ખરીદેલી
તારી ટીકીટનાં પૈસે
શું કરે છે મીનાકુમારી?
-ભરત શાહ

Friday, April 27, 2012

એહસાન

એહસાન ના બોજ તળે કોઈને એટલું ન દબાવો કે એ ગૂંગળાઈ જાય.
એ એહસાન નથી. અત્યાચાર છે.
એહસાનને પણ "expires by date" હોય છે
તમારા એહસાનને કારણે આગળ વધેલી વ્યક્તિની ઈર્ષ્યા, તમારા સ્વભાવ માં રહેલી ખામી તરફ નિર્દેશ કરે છે.
 કોઈનું અહેસાન ન માનો કંઈ નહીં
પણ ,"એમાં શું ધાડ મારી?" એવું માનવું એ "અહેસાન ફરામોશી"
ભરત શાહ

Sunday, April 22, 2012

આશિર્વાદ

"શતાયુ ભવ"
આશિર્વાદ ઉચ્ચારે
ભડકે ડોસો
-ભરત શાહ

Saturday, April 21, 2012

ગુલામી

મારી ચારે કોર ઊંચી ઊંચી દિવાલો નથી
એની ઉપર કાચના તીક્ષ્ણ ટુકડા જડેલા નથી
હું કટાઈ ગયેલ લોખંડના સળિયા પાછળ બંધ નથી
એની બહાર પડછંદ પહેરેદારોનો પહેરો નથી
કે એમની પાસે વિકરાળ, લાળ લબડાવાતા
કુતરાઓનો કાફલો નથી.
ના, હું નથી જેલ માં કે નથી કોઈ કાળ કોટડીમાં
તોય મારા પગમાં બંધાઈ છે સાંકળો
મારા હાથમાં પડી છે બેડીઓ
ન જોઈતી ઉભી કરેલી જવાબદારીઓની
અંત:કરણ સાથે કરેલી સમજુતીઓની
સમય અને સંજોગાના ઢાંચામાં ઢાળેલા સત્યની
જુઠાણું જીવ્યાના એહસાસની
-ભરત શાહ

ખંડેર

અપેક્ષાઓના મીનારા કકડભૂસ થયે
ખંડેરમાં.......
કહે છે ઉડતી ડમરીમાં
તું મારો ચહેરો સ્પષ્ટ ભાળે છે.
પાગલ !
આવ મારા પ્રેમ ની મઝાર પર
સહાનુભૂતિનો દીપક આજેય
અખંડ બળે છે.
ભરત શાહ

Thursday, April 19, 2012

યદા યદા

યદા યદા હી ધર્મસ્ય
કહી તું તો ખરો થઇ ગયો છે અદ્રશ્ય
રઘુકુલ વાળાની વાત અલગ,
તું તો કૃષ્ણ, પોલીટીશ્યન
તારા વચનમાં હતું કંઈ તથ્ય ?

હા, હા, સમજી ગયો તારું સત્ય
રક્ષવાને રહ્યા નથી સાધુ
ને દુષ્ટ તો આમેય કાઢવાના છે એકબીજાનું કાઠું
એટલે આ યુગે ફેરો ખાવાનું નથી કંઈ રહ્યું અગત્ય
-ભરત શાહ

વૃક્ષ

ઘટાદાર વૃક્ષને ધરાશયી કરી
એક કામદાર એના થડીયા પર ઢળી
પીતો હતો આરામથી બીડી.
એકાએક એને ચઢી
ખાંસી વણઅટકી.
જોઈ એની સ્થિતિ દયાભરી
ડાળીઓ, જે હજુયે રહી હતી તરફડી
બિચારો!
કહી રડી પડી.

ન જાણે ક્યાંથી
આવે છે આવા મડદાલ
લઈને જીવલેણ માંદગી
કહેતી એક રીક્ષા, વણઅટકી
ભરી ગઈ શ્વાસમાં એના
ઝેરી ધુમાડી
-ભરત શાહ

Saturday, April 14, 2012

વિતાવ્યું જીવન પ્હેરી મ્હોરાં અનેક
પ્હેરાવશો ના નિરર્થક નવાં અનેક
કરી નહીં શકું હવે હસવાનોય વિવેક
ભરત શાહ

Friday, April 13, 2012

મા

નિહાળું છું દીકરીને
બે વરસના પૌત્રની
સહેજ કચડાયેલી
આંગળી પર
ચિંતિત થઇ ફૂંક મારતાં.
ને, ગુન્હાહિત લાગણીઓના
ભારથી કચડાતાં,
ચીખું છું દર્દથી,
"મા"

-ભરત શાહ

Wednesday, April 11, 2012

આભાર

આભાર, કહ્યું
તારાના ઝૂમખાંએ
અંધકારને
-ભરત શાહ

Sunday, April 8, 2012

વાત

પત્ની: દેવ આનંદ સ્ટાઈલના તારા વાળના ગુચ્છાને હવામાં લહેરાતો જોઈનેજ હું તો તારા પ્રેમમાં પડી ગઈ હતી... અને તું ?
પતિ: તું મને જોવામાં આટલી મશગુલ હતી એ વિચારે તે સમયે હું તો મારામાંજ મસ્ત હતો. તને જોયાનું યાદ પણ નથી.
પત્ની: શું વાત છે !!!
પતિ: તારે મન વાત... મારે મન એક મોટી દુર્ઘટના છે !!!!
-ભરત શાહ

નવરાશ

લઇ ને હાથમાં ફૂલ
ઉભો છું રાહમાં તારી વાસંતી.
આવજે..મળે સમય ત્યારે
કાગળના ફૂલોની કલગી
કદી નથી કરમાતી
-ભરત શાહ

Saturday, April 7, 2012

પ્રેમ?

પ્રેમની હોય પળો
હાથ એમાં કોઈનો
ફરે શિરે હુંફાળો
ને હસી ઉઠે ચહેરો ભોળો
તો એમાં બેસાડવાનો
શું કોઈ તાળો
કે આ ખરેખર પ્રેમ છે
કે વાસનાની છોળો

આઠ પ્રહર અને ચોસઠ ઘડી
રહીયે જો પ્રેમમાં જ, માની લો
તોય છીએ માનવી
આવશે કંટાળો
મળી છે જે પળ માણો
કરી વિચારો વાહિયાત કે સવાલો
ના જિંદગી માં ઉભો કરો ગોટાળો

ના આવી રાસ
સંબંધોની સાંકળો
તો તોડી, કરી દો
મારગને મોકળો
છે પ્રેમ એક દરિયો
છે એમાં ઘણી મોજો
ને છે એટલીજ છોળો
-ભરત શાહ

Sunday, April 1, 2012

एक तो पैरमें घुसा, जब में चीखा
तो, बेशर्मीसे वो हँसा
मैंने भी उसे बड़ी बेरहेमीसे
बहुत बुरी तरहसे कोसा

घड़ी दो घड़ी की है ये दशा
भर जाएगा घाव ऐसा
रहेगा ना कोई उसका निशाँ
मै तो हूँ एक कंटक, उसने कहा ,
नहीं काटता, काटता है जैसे इन्सां

-भरत शाह